Search…

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    ડિંગુચા પરિવારને USમાં ગેરકાયદેસર ઘૂસાડનાર ફેનિલ પટેલ ઝડપાયો:કેનેડિયન પોલીસે ધરપકડ કરી, 2023માં ફેનિલ પર માનવ તસ્કરીના આરોપો લાગ્યા હતા

    3 weeks ago

    ત્રણ વર્ષ પહેલાં યુએસ બોર્ડરની મિનેસોટા ખાતે થીજીને મૃત્યુ પામેલા મહેસાણાના ડિંગુચા ગામના એક જ પરિવારના ચાર સભ્યોને ગેરકાયદેસર રીતે અમેરિકામાં ઘૂસાડવામાં મદદ કરનાર એક આરોપી ફેનિલ પટેલની પોલીસે ધરપકડ કરી છે. કેનેડિયન ન્યાય વિભાગના પ્રવક્તા કેટલિન મૂર્સે સોમવારે CBC ન્યૂઝને એક ઇમેઇલમાં જણાવ્યું હતું કે, "યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાની પ્રત્યાર્પણ વિનંતીને અનુસરીને" ફેનિલ પટેલને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. આ અંગે વિભાગ વધુ વિગતો જાહેર કરી શકશે નહીં, કેમ કે પ્રત્યાર્પણ વિનંતી સ્ટેટ-ટુ-સ્ટેટ વચ્ચે ગુપ્ત વાતચીત છે. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસના પ્રવક્તાએ પણ આ અંગે ટિપ્પણી કરવાની ના પાડી દીધી છે. સીબીસી ન્યૂઝે સોમવારે RCMP(રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસ)નો પણ સંપર્ક કર્યો હતો. ભારતીય પોલીસે અગાઉ આરોપ લગાવ્યો હતો કે જાન્યુઆરી 2022માં આવેલા ભયંકર બરફના તોફાન અને થીજાવી દેતી ઠંડીમાં પરિવારને સરહદ પાર કરાવવામાં મદદ કરનાર બે પુરૂષોમાં એક પટેલ હતો. ફેનિલ પટેલ સાથે કોઈ સંબંધ ન ધરાવતા ડિંગુચા પરિવારનું મૃત્યુ મેનેગોના એમર્સન નજીક મિનેસોટામાં ગેરકાયદેસર રીતે પ્રવેશવાનો પ્રયાસ કરતી વખતે હાયપોથર્મિયાથી થયું હતું. 39 વર્ષીય જગદીશ પટેલ, તેમની 37 વર્ષીય પત્ની વૈશાલી, તેમની 11 વર્ષની પુત્રી વિહાંગી અને ત્રણ વર્ષના પુત્ર ધાર્મિકના થીજી ગયેલા મૃતદેહ યુએસ સરહદથી માત્ર 12 મીટર દૂર મળી આવ્યા હતા. 2023માં ફેનિલ પર માનવ તસ્કરીના આરોપો લાગ્યા હતા જાન્યુઆરી 2023માં પરિવારના મૃત્યુમાં કથિત ભૂમિકા બદલ ભારતના ગુજરાત રાજ્યમાં ફેનિલ પટેલ સામે માનવ તસ્કરીના આરોપો જાહેર કરવામાં આવ્યા હતા. ભારતીય પોલીસે આરોપ લગાવ્યો હતો કે પટેલ અને અન્ય એક વ્યક્તિએ દાણચોરી નેટવર્કની કેનેડિયન શાખા ચલાવી હતી, તેઓ પટેલ પરિવાર દ્વારા સરહદ સુધીની મુસાફરીના છેલ્લાં દિવસોનું સંપૂર્ણ કોર્ડિનેશન અને કંટ્રોલિંગ હાથ ધર્યું હતું. મે 2023માં ભારતીય અધિકારીઓએ જણાવ્યું હતું કે તેમણે પટેલ અને આ કેસમાં આરોપી અન્ય એક વ્યક્તિને પ્રત્યાર્પણ કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. ભારતીય મીડિયાએ અહેવાલ આપ્યો હતો કે પટેલ અમેરિકા, ટોરોન્ટો, ઓટાવા અને વાનકુવર સહિત અનેક સ્થળોએ રહે છે અથવા ભાગી ગયો છે, જ્યારે CBCના ધ ફિફ્થ એસ્ટેટ દ્વારા કરવામાં આવેલી તપાસમાં જાણવા મળ્યું કે તે ટોરોન્ટોની બહાર રહે છે. ધ ફિફ્થ એસ્ટેટે અનેકવાર ફેનિલનો ઇન્ટરવ્યૂ લેવાની કોશિશ કરી એક વર્ષ પહેલાં ફેનિલ પટેલનો ઇન્ટરવ્યૂ લેવાના અનેક પ્રયાસો કરવામાં આવ્યા હતા છતાં તેણે કોઈ જવાબ આપ્યો ન હતો. જ્યારે ધ ફિફ્થ એસ્ટેટના એક ક્રૂએ તેમના ઘરની સામે તેમની પૂછપરછ કરી, ત્યારે તેઓ કોઈ જવાબ આપ્યા વિના પાછા ઘરની અંદર જતો રહ્યો હતો. અગાઉના એક ઇન્ટરવ્યુમાં ગુજરાત સ્ટેટ પોલીસ, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના ડેપ્યુટી કમિશનર ચૈતન્ય માંડલિકે જણાવ્યું હતું કે ત્યાંની પોલીસે ફેનિલ પટેલને શોધવા અને કેનેડામાં તેની ધરપકડ કરવા માટે RCMPની મદદ માંગી હતી જેથી તેને આરોપોનો સામનો કરવા માટે ભારત પરત મોકલી શકાય. પરંતુ તે સમયે તે સ્પષ્ટ નહોતું કે ઓફિશિયલ કોઈ રિક્વેસ્ટ કરવામાં આવી હતી કે નહીં. સ્મગલિંગની ટ્રાયલ દરમિયાન વિગતો જાહેર થઈ પટેલનું નામ ઘણી વખત સામે આવ્યું હતું જ્યારે ગયા વર્ષે મિનેસોટામાં પટેલ પરિવાર સાથે સંકળાયેલી સ્મગલિંગની કામગીરીમાં ભૂમિકા ભજવવા બદલ બે વ્યક્તિઓને દોષિત ઠેરવવામાં આવ્યા હતા. નવેમ્બર 2024માં સ્ટીવ શાન્ડ અને હર્ષકુમાર પટેલ (જેઓ પટેલ પરિવાર સાથે પણ સંબંધિત નથી)ને અમેરિકાની પોલીસે શિકાગોના ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ધરપકડ કરી હતી. હર્ષ પટેલ પર ભારતીયોને કેનેડા બોર્ડર ક્રોસ કરાવીને ગેરકાયદેસર તેમને અમેરિકા લાવવાના કામમાં સામેલ હોવાનો આરોપ હતો. એટલું જ નહીં, મોતને ભેટેલા ડિંગુચાના જગદીશ પટેલના પરિવારને પણ અમેરિકા લાવવાનું કામ હર્ષ પટેલે જ હાથમાં લીધું હતું. ફ્લોરિડામાં કેસીનો ચલાવતો હતો હર્ષ પટેલ 2 વર્ષ પહેલાં અરેસ્ટ થયેલો હર્ષ પટેલ કોર્ટ ડોક્યુમેન્ટ્સ અનુસાર ફ્લોરિડામાં કેસીનો ચલાવતો હતો અને તેણે સ્ટીવ શાન્ડ નામના એક વ્યક્તિને જગદીશ પટેલ જે ગ્રૂપમાં બોર્ડર ક્રોસ કરવાના હતા તે ગ્રૂપના લોકોને બોર્ડર ક્રોસ કરાવી અમેરિકા લાવવાનું કામ સોંપ્યું હતું. હર્ષ પટેલ માટે કામ કરતા સ્ટીવ શાન્ડે 9 માર્ચ 2022ના દિવસે હોમલેન્ડ સિક્યોરિટીના અધિકારીઓ સામે એવી કબૂલાત કરી હતી કે તેણે ડિસેમ્બર 2021થી જાન્યુઆરી 2022ના ગાળામાં ઈન્ડિયાથી આવેલા ગેરકાયદેસર ઈમિગ્રન્ટ્સને કેનેડા બોર્ડર ક્રોસ કરાવી અમેરિકા પહોંચાડવા માટે કુલ પાંચ ટ્રિપ કરી હતી, અને આ કામ માટે હર્ષ પટેલે તેને 25 હજાર ડોલર ચૂકવ્યા હતા. 19 જાન્યુઆરીના કામ માટે પણ હર્ષ પટેલે સ્ટીવ શાન્ડને પહેલાં 2900 ડોલર ચૂકવ્યા હતા અને તેના રિલીઝ થયા બાદ બીજા 5,000 ડોલર ચૂકવવામાં આવ્યા હતા. ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટી દ્વારા કોર્ટમાં ફાઈલ કરવામાં આવેલી એફિડેવિટમાં હર્ષ પટેલ ઉપરાંત આ કેસમાં ગુજરાત પોલીસે આરોપી બનાવેલા ફેનિલ પટેલ નામના બીજા એક એજન્ટ સામે પણ નવા આક્ષેપ કરાયા હતા. આ જ કેસમાં અમેરિકાની કોર્ટ રાજિન્દરપાલ સિંહ નામના બીજા એક એજન્ટને ગુનેગાર ઠેરવીને તેને 45 મહિનાની જેલની સજા કરી ચૂકી છે. હાલ જેલમાં બંધ રાજિન્દરે પણ હોમલેન્ડ સિક્યોરિટીના અધિકારીઓએ કરેલી પૂછપરછ દરમિયાન ફેનિલ પટેલને ઓળખી બતાવ્યો હતો અને સાથે જ એવું કબૂલ્યું હતું કે તે ડિંગુચાના પરિવારને બોર્ડર ક્રોસ કરાવવાના કામમાં સામેલ હતો, અને ફેનિલ ટોરેન્ટોમાં હોવાની માહિતી પણ રાજિન્દરે જ હોમલેન્ડ સિક્યોરિટીને આપી હતી. સ્ટીવ શાન્ડ 19 જાન્યુઆરી 2022ના દિવસે જ બે માઈગ્રન્ટ્સ સાથે 15 સીટર વાનમાં પોલીસના હાથે ઝડપાયો હતો અને ત્યારે કેનેડાની સાઈડથી આવેલા બીજા પાંચ માઈગ્રન્ટ્સને પણ પોલીસે ડિટેઈન કર્યા હતા. હર્ષ પટેલનો ગુનાહિત ઈતિહાસ હર્ષ પટેલનો ગુનાહિત ભૂતકાળ ઘણો જૂનો છે. અમેરિકા ઉપરાંત હર્ષ પટેલ એક સમયે કેનેડામાં પણ જેલની હવા ખાઈ ચૂક્યો છે. હર્ષ પટેલની 2018માં કેનેડિયન બોર્ડર સર્વિસ એજન્સી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ તેને રિલીઝ કરાયા બાદ તે બોર્ડર ક્રોસ કરીને અમેરિકામાં ઘૂસી ગયો હતો. કોર્ટ ડોક્યુમેન્ટ્સ અનુસાર હર્ષકુમાર પટેલે ઈન્ડિયાથી અમેરિકાના સ્ટુડન્ટ વિઝા મેળવવા ચાર વાર પ્રયાસ કર્યો હતો, પરંતુ ચારેય વાર તેની વિઝા એપ્લિકેશન રિજેક્ટ થઈ હતી. 2016માં પણ હર્ષ પટેલે કેનેડા પહોંચીને ઓટાવા સ્થિત અમેરિકન કોન્સ્યુલેટમાં વિઝિટર વિઝા મેળવવા માટે એપ્લિકેશન કરી હતી, જેમાં તેણે એવો દાવો કર્યો હતો કે તે કિંગ્સ્ટનની સેન્ટ લોરેન્સ કોલેજમાં બિઝનેસ મેનેજમેન્ટનો અભ્યાસ કરે છે. જોકે, તે વખતે પણ તેને અમેરિકાના વિઝા નહોતા મળ્યા. અમેરિકાની પોલીસનું માનવું છે કે પાંચમી વાર વિઝા એપ્લિકેશન રિજેક્ટ થયા બાદ હર્ષ પટેલ ત્રણ જ મહિનામાં બોર્ડર ક્રોસ કરીને અમેરિકા પહોંચી ગયો હતો, અને 2018માં તે અમેરિકાથી ફરી બોર્ડર ક્રોસ કરી કેનેડા આવ્યો હતો અને ત્યારે જ તેની કેનેડાની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.
    Click here to Read more
    Prev Article
    સેન્સેક્સ 150 પોઈન્ટ વધીને 81,950 પર ટ્રેડ કરી રહ્યો છે:નિફ્ટીંમાં 50 પોઇન્ટનો ઉછાળો; ઓટો, મેટલ, મીડિયા અને ફાર્મા શેરોમાં તેજી
    Next Article
    ભારત-પાકિસ્તાન મેચ વિવાદ, ICCએ કહ્યું- મેચ રેફરીને હટાવાશે નહીં:ટીમ ઈન્ડિયાએ PAK ખેલાડીઓ સાથે હાથ મિલાવ્યા ન હતા, PCBએ રેફરી પર લગાવ્યો આરોપ

    Related International Updates:

    Comments (0)

      Leave a Comment