મંગળવારે પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં જાફર એક્સપ્રેસ ટ્રેન પર થયેલા બોમ્બ હુમલામાં ઓછામાં ઓછા 12 લોકો ઘાયલ થયા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ક્વેટા જતી ટ્રેન માસ્તુંગ જિલ્લાના સ્પિજેન્ડ વિસ્તારમાંથી પસાર થઈ રહી હતી ત્યારે આ હુમલો થયો હતો. આ ટ્રેનમાં લગભગ 270 મુસાફરો હતા. આ હુમલામાં છ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા અને એક પલટી ગયો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે, 10 કલાકની અંદર આ વિસ્તારમાં આ બીજો વિસ્ફોટ હતો. મંગળવારે સવારે રેલવે ટ્રેક નજીક બીજો બોમ્બ વિસ્ફોટ થયો. પેશાવર જતી જાફર એક્સપ્રેસ ક્વેટા સ્ટેશનથી રવાના થઈ હતી. વિસ્ફોટ પછી ટ્રેનને થોડા સમય માટે રોકવામાં આવી હતી, પરંતુ સુરક્ષા દળોએ ટ્રેક સાફ કરી દીધા અને તેને આગળ વધવા દીધી.
રેલવે ટ્રેક પર IED પ્લાન્ટ કરવામાં આવ્યો હતો અને તેમાં વિસ્ફોટ થયો હતો સ્થાનિક પોલીસે પુષ્ટિ આપી છે કે બીજો વિસ્ફોટ પાટા પર લગાવેલા IED (ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ) દ્વારા થયો હતો. પાકિસ્તાન રેલવેના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, પલટી ગયેલી ગાડીમાં પાંચ મુસાફરો ઘાયલ થયા હતા, જ્યારે નજીકના ડબ્બા પાટા પરથી ઉતરી જવાથી અન્ય લોકો ઘાયલ થયા હતા. બચાવ ટીમો અને પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા અને ઘાયલોને નજીકની હોસ્પિટલોમાં દાખલ કર્યા. રેલવે અધિકારીઓએ જણાવ્યું હતું કે, જો ટ્રેન પૂરપાટ ગતિએ દોડી રહી હોત તો અકસ્માત વધુ ખરાબ થઈ શક્યો હોત. હજુ સુધી કોઈ બળવાખોર જૂથે જવાબદારી સ્વીકારી નથી. માર્ચમાં જાફર એક્સપ્રેસ પર પણ હુમલો થયો હતો આ વર્ષના માર્ચ મહિનામાં બલૂચ આતંકવાદીઓ દ્વારા જાફર એક્સપ્રેસને પણ નિશાન બનાવવામાં આવી હતી. આ ટ્રેન ક્વેટાથી પેશાવર જઈ રહી હતી ત્યારે ગુડાલર અને પીરુ કુનરી વચ્ચે બલૂચ લિબરેશન આર્મી (BLA) દ્વારા તેનું અપહરણ કરવામાં આવ્યું હતું. ટ્રેનમાં લશ્કરી કર્મચારીઓ અને નાગરિકો સહિત આશરે 400-500 મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા. સેના અને બળવાખોરો વચ્ચે 40 કલાક સુધી યુદ્ધ ચાલ્યું. સેનાએ 33 લડવૈયાઓને માર્યા હોવાનો દાવો કર્યો હતો, જ્યારે બલૂચ લડવૈયાઓએ કહ્યું હતું કે તેમણે 100થી વધુ પાકિસ્તાની સૈનિકોને મારી નાખ્યા છે.
ગ્લોબલ ટેરરિઝમ ઇન્ડેક્સમાં પાકિસ્તાન બીજા ક્રમે ગ્લોબલ ટેરરિઝમ ઇન્ડેક્સ 2025 મુજબ, પાકિસ્તાન બુર્કિના ફાસો પછી વિશ્વમાં બીજા ક્રમનો સૌથી વધુ આતંકવાદથી પ્રભાવિત દેશ બની ગયો છે, જ્યારે 2024માં તે ચોથા સ્થાને હતો. રિપોર્ટ અનુસાર, ખૈબર પખ્તુનખ્વા અને બલૂચિસ્તાન પાકિસ્તાનના સૌથી વધુ આતંકવાદથી પ્રભાવિત વિસ્તારો છે, જે દેશમાં થતી તમામ આતંકવાદી ઘટનાઓમાં 90% હિસ્સો ધરાવે છે. આ અહેવાલમાં સતત બીજા વર્ષે તહરીક-એ-તાલિબાન પાકિસ્તાનને પાકિસ્તાનનું સૌથી ખતરનાક આતંકવાદી સંગઠન તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. 2024માં આ જૂથે 482 હુમલા કર્યા હતા, જેમાં 558 લોકોના મોત થયા હતા, જે 2023 કરતા 91% વધુ છે.
Click here to
Read more