દિલ્હી હાઈકોર્ટે એક્ટ્રેસ ઐશ્વર્યા રાય બચ્ચનને મોટી રાહત આપી છે. કોર્ટે એક્ટ્રેસના અંગત અને વ્યક્તિત્વ અધિકારોનું રક્ષણ કરતી વખતે, તેમની અંગત છબી, ફોટા, સામગ્રી અને અવાજનો પરવાનગી વિના ઉપયોગને ગૌરવ સાથે જીવવાના અધિકારનું ઉલ્લંઘન ગણાવ્યું છે. કોર્ટે ઈ-કોમર્સ પ્લેટફોર્મ, ગૂગલ વગેરેને નોટિસ જારી કરી છે અને એક્ટ્રેસની અરજીમાં હાજર જેના વિશે ફરિયાદ થઈ છે તે URL ને 72 કલાકની અંદર દૂર કરવા, ઇનએક્ટિવ કરવા અને બ્લોક કરવા માટે વચગાળાના નિર્દેશો આપ્યા છે. કોર્ટે ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી મંત્રાલય, આઇટી વિભાગને આવા તમામ URL ને બ્લોક અને ઇનેક્ટિવ કરવા માટે જરૂરી સૂચનાઓ જારી કરવા જણાવ્યું છે. આદેશમાં, કોર્ટે ગૂગલ અને ઇ-કોમર્સ વેબસાઇટને ગ્રાહકની બધી ઉપલબ્ધ મૂળભૂત માહિતી સીલબંધ પરબીડિયામાં સબમિટ કરવાનો નિર્દેશ આપ્યો છે. નોંધનીય છે કે, ઐશ્વર્યા રાયે મંગળવારે દિલ્હી હાઈકોર્ટમાં પર્સનાલિટી રાઇટ્સ માટે અરજી દાખલ કરી હતી. એક્ટ્રેસના વકીલ સંદીપ સેઠીએ એવી વેબસાઇટ્સ વિશે જણાવ્યું હતું જે પોતાને સત્તાવાર પ્લેટફોર્મ હોવાનો દાવો કરીને ઐશ્વર્યાના નામ અને તેની તસવીર સાથે મગ, ટી-શર્ટ અને પીણાના ઉત્પાદનો સહિત ઘણી અનધિકૃત વસ્તુઓ વેચી રહી છે. ઐશ્વર્યા રાય ઉપરાંત, તેના પતિ અભિષેક બચ્ચને પણ પોતાના 'પર્સનાલિટી રાઇટ્સ' અંગે કોર્ટમાં અરજી દાખલ કરી છે. અગાઉ, તેના પિતા અમિતાભ બચ્ચન, અનિલ કપૂર અને જેકી શ્રોફ જેવા સેલિબ્રિટીઓએ પણ પોતાના અવાજ, ચિત્ર, સંવાદ અને ખાસ શૈલી અંગે કોર્ટનો સંપર્ક કર્યો છે.
Click here to
Read more