બોલિવૂડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાયે મંગળવારે દિલ્હી હાઈકોર્ટમાં વ્યક્તિત્વ અધિકારો (પર્સનાલિટી રાઇટ્સ) માટે અરજી દાખલ કરી હતી. તેના પછી તેના પતિ અને એક્ટર અભિષેક બચ્ચને આજે, બુધવારે દિલ્હી હાઇકોર્ટમાં અરજી કરી છે. તેણે કોર્ટને વિનંતી કરી છે કે, તેના પબ્લિસિટી અને પર્સનાલિટી રાઇટ્સ (જાહેર જનતામાં છબિ અને વ્યક્તિત્વ અધિકારો)નું રક્ષણ કરવા વિનંતી કરી. ઉપરાંત, વેબસાઇટ્સ અને ઓનલાઈન પ્લેટફોર્મને તેમની છબિ (ઇમેજ), વ્યક્તિત્વ (પર્સોના) અને નકલી વીડિયો, ખાસ કરીને સેક્સ્યુઅલ કોન્ટેન્ટનો ઉપયોગ કરવાથી અટકાવવા માગ કરી છે. આ કેસની સુનાવણી દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ તેજસ કારિયા દ્વારા કરવામાં આવી હતી. આજે બપોરે 2:30 વાગ્યે આ કેસની ફરી સુનાવણી થશે. પહેલી સુનાવણીમાં, અભિષેક બચ્ચન વતી હાજર રહેલા એડવોકેટ પ્રવીણ આનંદે કોર્ટને જણાવ્યું હતું કે, ઘણા પ્રતિવાદીઓ AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) ટેકનોલોજીનો ઉપયોગ કરીને નકલી વીડિયો અને ફોટો બનાવી રહ્યા છે. આ નકલી કન્ટેન્ટમાં અભિષેક બચ્ચનનું નામ, ફોટો અને નકલી સહી પણ સામેલ છે. કેટલાક કન્ટેન્ટ જાતીય રીતે વાંધાજનક છે, જે ન માત્ર એક્ટરની છબિને નુકસાન પહોંચાડે છે, પણ કાયદાનું પણ ગંભીર ઉલ્લંઘન કરી રહ્યા છે. ઐશ્વર્યા રાયે પણ વ્યક્તિત્વ અધિકારોની માંગ કરી હતી ઐશ્વર્યા રાયે મંગળવારે દિલ્હી હાઈકોર્ટમાં વ્યક્તિત્વ અધિકારો (પર્સનાલિટી રાઇટ્સ) માટે અરજી દાખલ કરી હતી. એક્ટ્રેસના વકીલ સંદીપ સેઠીએ કોર્ટને જણાવ્યું હતું કે, 'ઐશ્વર્યા રાયની ઓળખનો ગેરમાર્ગે દોરતા પ્રચાર અને નફા માટે દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. ઐશ્વર્યાના અશ્લિલ, ચેડાં કરાયેલા AI જનરેટેડ ફોટો ઓનલાઇન પ્લેટફોર્મ્સ પર ફેલાવવામાં આવી રહી છે.' વકીલ સંદીપ સેઠીએ તેને ઐશ્વર્યાના ગૌરવ અને અધિકારોનું ગંભીર ઉલ્લંઘન ગણાવ્યું. તેમણે કન્ટેન્ટને વિકૃત કરવાની પ્રકૃતિ પર ભાર આપતા કહ્યું કે, 'એક્ટ્રેસના ફોટોનો ઉપયોગ કોઈની જાતીય ઇચ્છાઓને સંતોષવા માટે થઈ રહ્યો છે.' 'લાઈવ લો' અનુસાર, કેસની સુનાવણી કરી રહેલા જસ્ટિસ તેજસ કારિયાએ કહ્યું કે, 'ઓનલાઈન પ્લેટફોર્મ અને જે લોકો ઐશ્વર્યાના ફોટો બદલીને અથવા તેના વ્યક્તિત્વનો પરવાનગી વિના ઉપયોગ કરી રહ્યા છે, તેમના પર પ્રતિબંધ મૂકવામાં આવશે.' કોર્ટે કહ્યું કે, 'ઐશ્વર્યા રાય બચ્ચનના પબ્લિસિટી અને પર્સનાલિટી રાઇટ્સના રક્ષણ માટે મનાઈ હુકમ (ઇન્જક્શન ઓર્ડર) પસાર કરવામાં આવશે. હવે આ કેસની આગામી સુનાવણી 15 જાન્યુઆરી 2026 ના રોજ થશે. નોંધનીય છે કે, મનાઈ હુકમ (ઇંન્જક્શન ઓર્ડર) એ કોર્ટનો આદેશ છે, જેમાં કોઈને ગેરકાયદેસર અથવા અનધિકૃત કામ રોકવા માટે કહેવામાં આવે છે. એડવોકેટ સંદીપ સેઠીએ કોર્ટને જણાવ્યું હતું કે, 'ઐશ્વર્યા નેશન વેલ્થ' નામની કંપનીએ લેટરહેડ પર એક્ટ્રેસનો ફોટો લગાવ્યો હતો અને તેમને ચેરપર્સન તરીકે ઓળખાવ્યા હતા.' તેમણે કહ્યું હતું કે, 'મારા ક્લાયન્ટને આ વિશે કોઈ જાણકારી નથી. આ સંપૂર્ણ ફ્રોડ છે.' આ સેલિબ્રિટીઝ પાસે વ્યક્તિત્વના અધિકારો છે નોંધનીય છે કે, મે મહિનામાં એક્ટ્રેસ જેકી શ્રોફે પણ કોર્ટનો સંપર્ક કર્યો હતો. તેમણે આરોપ લગાવ્યો હતો કે, તેમની છબી (ઇમેજ) અને વીડિયો બદલીને પરવાનગી વિના વસ્તુઓ વેચવામાં આવી રહી છે. તે સમયે, કોર્ટે તેમના વ્યક્તિત્વ અને પ્રચાર અધિકારોનું પણ રક્ષણ કર્યું હતું. વર્ષ 2023 માં, કોર્ટે અનિલ કપૂરની ઇમેજ, અવાજ અને તેમના 'ઝકાસ' કેચફ્રેઝના દુરુપયોગ પર પ્રતિબંધ મૂક્યો હતો. તે જ સમયે, નવેમ્બર 2022 માં, અમિતાભ બચ્ચનના વ્યક્તિત્વ અને પ્રચાર અધિકારોનું પણ રક્ષણ કરવામાં આવ્યું હતું. આ કેસ હવે ડિજિટલ યુગમાં સેલિબ્રિટીઝના ગોપનીયતા અને પ્રચાર અધિકારો (પ્રાઇવસી અને પબ્લિસિટી રાઇટ્સ) અંગે એક મહત્વપૂર્ણ ઉદાહરણ સાબિત થઈ શકે છે. આગામી કોર્ટ સુનાવણીમાં સ્પષ્ટ થશે કે કોર્ટ તાત્કાલિક કોઈ પ્રકારનો વચગાળાનો આદેશ પસાર કરશે કે નહીં.
Click here to
Read more