સોમવારે સુપ્રીમ કોર્ટે વક્ફ (સુધારા) કાયદાની માન્યતાને પડકારતી અરજીઓ પર વચગાળાનો ચુકાદો આપ્યો હતો. કોર્ટે સમગ્ર કાયદા પર સ્ટે મૂકવાનો ઇનકાર કર્યો છે, જોકે તેણે કેટલીક કલમો પર સ્ટે આપ્યો છે. ચુકાદાના મુખ્ય મુદ્દાઓ સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપ્યો કે શક્ય હોય ત્યાં સુધી વકફ બોર્ડના મુખ્ય કાર્યકારી અધિકારી મુસ્લિમ હોવા જોઈએ, સાથે જ બિનમુસ્લિમોને સીઈઓ તરીકે નિયુક્ત કરવાની મંજૂરી આપતા સુધારા પર રોક લગાવવાનો પણ ઇનકાર કર્યો. કોર્ટે વકફ સુધારા અધિનિયમ 2025ની જોગવાઈ પર રોક લગાવી દીધી છે, જે મુજબ વકફ બનાવવા માટે વ્યક્તિએ 5 વર્ષ માટે ઇસ્લામના અનુયાયી હોવા જરૂરી હતું. આ જોગવાઈ ત્યાં સુધી સ્થગિત રહેશે, જ્યાં સુધી રાજ્ય સરકારો કોઈ વ્યક્તિ ઇસ્લામના અનુયાયી છે કે નહીં એ નક્કી કરવા માટે નિયમો ન બનાવે. આ પહેલાં 22 મેના રોજ સતત ત્રણ દિવસની સુનાવણી બાદ કોર્ટે નિર્ણય અનામત રાખ્યો હતો. છેલ્લી સુનાવણીમાં અરજદારોએ કહ્યું હતું કે આ કાયદો મુસ્લિમોના અધિકારો વિરુદ્ધ છે અને વચગાળાના સ્ટેની માગ કરી હતી તેમજ કેન્દ્ર સરકારે કાયદાની તરફેણમાં દલીલો રજૂ કરી હતી. આ ચર્ચા સરકારની આ દલીલની આસપાસ રહી હતી કે વક્ફ એક ઇસ્લામિક ખ્યાલ છે, પરંતુ એ ધર્મનો આવશ્યક ભાગ નથી, તેથી એ મૂળભૂત અધિકાર નથી. વકફને ઇસ્લામથી અલગ એ પરોપકારી દાન તરીકે જોવું જોઈએ કે એને ધર્મનો અભિન્ન ભાગ માનવો જોઈએ. એ અંગે અરજદારોના વકીલ કપિલ સિબ્બલે કહ્યું હતું કે વકફ એ ઈશ્વરને સમર્પણ છે.' અન્ય ધર્મોથી વિપરીત, વક્ફ એ ઈશ્વર માટે દાન છે. CJIએ કહ્યું હતું, ધાર્મિક દાન ફક્ત ઇસ્લામ પૂરતું મર્યાદિત નથી CJI બીઆર ગવઈએ કહ્યું હતું કે ધાર્મિક દાન ફક્ત ઇસ્લામ પૂરતું મર્યાદિત નથી. હિન્દુ ધર્મમાં પણ 'મોક્ષ'ની વિભાવના છે. દાન એ અન્ય ધર્મોનો પણ મૂળભૂત સિદ્ધાંત છે. પછી જસ્ટિસ ઓગસ્ટિન જ્યોર્જ મસીહ પણ સંમત થયા અને કહ્યું, 'ખ્રિસ્તી ધર્મમાં પણ સ્વર્ગની ઈચ્છા હોય છે.' સુપ્રીમ કોર્ટમાં 5 અરજી પર સુનાવણી થઈ સુપ્રીમ કોર્ટે વક્ફ (સુધારા) કાયદા વિરુદ્ધ ફક્ત 5 મુખ્ય અરજી પર સુનાવણી કરી. આમાં AIMIM સાંસદ અસદુદ્દીન ઓવૈસીની અરજીનો પણ સમાવેશ થાય છે. CJI બીઆર ગવઈ અને જસ્ટિસ એજી મસીહની બેન્ચે આ કેસની સુનાવણી કરી. કેન્દ્ર તરફથી સોલિસિટર જનરલ (SG) તુષાર મહેતા હાજર રહ્યા હતા અને અરજદારો તરફથી કપિલ સિબ્બલ, અભિષેક મનુ સિંઘવી અને રાજીવ ધવન હાજર રહ્યા હતા. સતત 3 દિવસ સુધી ચાલેલી સુનાવણીમાં શું થયું... 16 એપ્રિલથી 15 મે દરમિયાન ચાર વખત સુનાવણી યોજાઈ હતી; ક્રમમાં વાંચો- 15 મે: કોર્ટે કહ્યું હતું - વચગાળાની રાહત આપવાનો વિચાર કરીશું. સીજેઆઈ બીઆર ગવઈ અને જસ્ટિસ એજી મસીહે કેન્દ્ર અને અરજદારને 19 મે સુધીમાં સોગંદનામું રજૂ કરવા કહ્યું હતું. બંને પક્ષના વકીલોએ કહ્યું હતું કે અરજીઓના મુદ્દાઓ પર વિચાર કરવા માટે જજોને થોડો વધુ સમયની જરૂર પડી શકે છે. કેન્દ્રએ એમ પણ કહ્યું હતું કે જ્યાં સુધી સુપ્રીમ કોર્ટ કેસની સુનાવણી કરી રહી છે, ત્યાં સુધી કાયદાની મહત્વપૂર્ણ જોગવાઈઓ લાગુ કરવામાં આવશે નહીં, યથાસ્થિતિ બની રહેશે. 25 એપ્રિલ: કેન્દ્રએ 1300 પાનાનું સોગંદનામું રજુ કર્યું હતું. કેન્દ્રએ સોગંદનામામાં કહ્યું હતું કે આ કાયદો સંપૂર્ણપણે બંધારણીય છે. તેને સંસદ દ્વારા પસાર કરવામાં આવ્યો છે, તેથી તેને રોકવો જોઈએ નહીં. 1332 પાનાના સોગંદનામામાં સરકારે દાવો કર્યો હતો કે 2013થી વકફ મિલકતોમાં 20 લાખ એકરથી વધુનો વધારો થયો છે. આ કારણે, ખાનગી અને સરકારી જમીનો પર ઘણી વખત વિવાદો થયા છે. 17 એપ્રિલ: સોલિસિટર જનરલે કહ્યું - લાખો સૂચનો પછી કાયદો બનાવવામાં આવ્યો. એસજી મહેતાએ કહ્યું હતું કે સંસદ દ્વારા 'યોગ્ય વિચાર-વિમર્શ સાથે' પસાર કરાયેલા કાયદાને સરકારનો પક્ષ સાંભળ્યા વિના રોકવો જોઈએ નહીં. તેમણે કહ્યું હતું કે લાખો સૂચનો પછી નવો કાયદો બનાવવામાં આવ્યો છે. આવા ઘણા ઉદાહરણો છે જેમાં ગામડાઓ વક્ફ દ્વારા હડપ કરવામાં આવ્યા હતા. ઘણી ખાનગી મિલકતો વકફમાં લેવામાં આવી હતી. આના પર બેન્ચે કહ્યું કે અમે અંતિમ નિર્ણય લઈ રહ્યા નથી. 16 એપ્રિલ: સુપ્રીમ કોર્ટે કેન્દ્રને ત્રણ નિર્દેશો આપ્યા, કપિલ સિબ્બલ, જેઓ કાયદા વિરુદ્ધ દલીલ કરી રહ્યા હતા, તેમણે કહ્યું, 'અમે એ જોગવાઈને પડકારીએ છીએ જે કહે છે કે ફક્ત મુસ્લિમો જ વક્ફ બનાવી શકે છે. સરકાર કેવી રીતે કહી શકે કે ફક્ત તે લોકો જ વકફ બનાવી શકે છે જે છેલ્લા 5 વર્ષથી ઇસ્લામનું પાલન કરી રહ્યા છે? એટલું જ નહીં, રાજ્ય કેવી રીતે નક્કી કરી શકે કે હું મુસ્લિમ છું કે નહીં અને તેથી વકફ બનાવવા માટે લાયક છું?'
Click here to
Read more