ભારતની જાસ્મીન લંબોરિયાએ લિવરપૂલ (યુકે) માં રમાઈ રહેલી વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપ-2025 માં ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો છે. 57 કિગ્રા વર્ગની ફાઇનલમાં, જાસ્મીને પોલેન્ડની જુલિયા સ્ઝેરેમેટાને 4-1 ના સ્પિલટ ડીસીજનથી હરાવી. કોમનવેલ્થ ગેમ્સ (2022) માં બ્રોન્ઝ મેડલ વિજેતા જાસ્મીન, પ્રથમ રાઉન્ડમાં હાર્યા બાદ શાનદાર વાપસી કરી અને મેચ પર દબદબો બનાવ્યો. જુલિયા સ્ઝેરેમેટા પેરિસ ઓલિમ્પિક 2024માં સિલ્વર મેડલ વિજેતા રહી છે. જાસ્મીન પેરિસ ઓલિમ્પિક-2024માં કોઈ મેડલ જીતી શકી ન હતી. આ પછી, તેણે પોતાને નવેસરથી તૈયાર કરી. હાલમાં, તેણે અસ્તાના (કઝાકિસ્તાન) માં આયોજિત વર્લ્ડ બોક્સિંગ કપમાં પણ ગોલ્ડ મેડલ જીત્યો હતો. નુપુરને સિલ્વર, પૂજાને બ્રોન્ઝ મેડલ મળ્યો આ જ વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં, ભારતની નુપુર શ્યોરાણ 80 કિગ્રા વર્ગની ફાઇનલમાં હાર્યા બાદ સિલ્વર મેડલ જીતી હતી, જ્યારે પૂજા રાનીએ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. પેરિસ ઓલિમ્પિક પછી મેં પુરી તૈયારી કરી - જાસ્મીન લિવરપૂલમાં વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપના પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં જાસ્મીને બ્રાઝિલની પેન અમેરિકન ચેમ્પિયન જુસિલીન સેર્કેઇરા રોમ્યુને 5-0થી હરાવી હતી. ક્વાર્ટર ફાઇનલમાં, તેણે ઉઝબેકિસ્તાનની ખુમોરાનોબુ મામાજોનોવાને 5-0થી હરાવી હતી. સેમિફાઇનલમાં, તેણે વેનેઝુએલાની ઓમિલેન કેરોલિના અલ્કાલા સેવિકાને 5-0થી હરાવીને ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. ફાઇનલ જીત્યા પછી, જાસ્મીને કહ્યું, 'આ લાગણીને શબ્દોમાં વર્ણવી શકાય નહીં. હું વિશ્વ ચેમ્પિયન બનવાનો ખૂબ આનંદ અનુભવું છું. પેરિસ ઓલિમ્પિકમાં શરૂઆતની હાર પછી, મેં પોતાને સંપૂર્ણપણે તૈયાર કરી. આ સફળતા એ મહેનતનું પરિણામ છે.' 12 વર્ષ પછી પુરુષ બોક્સરોને કોઈ મેડલ નહીં ટુર્નામેન્ટમાં મહિલા બોક્સરોની શાનદાર સફળતાથી વિપરીત, આ ચેમ્પિયનશિપ પુરુષોના વર્ગ માટે નિરાશાજનક રહી. ભારતની 10 સભ્યોની પુરુષ ટીમ કોઈપણ મેડલ વિના ઘરે પરત ફરી રહી છે. 2013 પછી આ પહેલી વાર છે જ્યારે ભારતીય પુરુષ બોક્સરો ખાલી હાથે રહ્યા. 50 કિગ્રા વર્ગના ક્વાર્ટર ફાઇનલમાં, જાદુમણી સિંહ મેન્ડેનબામે કઝાકિસ્તાનના વર્તમાન વિશ્વ ચેમ્પિયન સંઝાર તાશ્કેનબાયને કાંટાની ટક્કર આપી હતી પરંતુ 0-4થી હારી ગયો હતો. જાદુમણી સિવાય, ફક્ત અભિનાશ જામવાલ (65 કિગ્રા) ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યો હતો, જ્યારે બાકીના ખેલાડીઓ શરૂઆતના રાઉન્ડમાં જ બહાર થઈ ગયા હતા. છેલ્લી વખત પુરુષોને ત્રણ મેડલ મળ્યા હતા ભારતે 2023માં તાશ્કંદ વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં પુરુષોની વર્ગમાં ત્રણ બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. તે સમયે દીપક ભોરિયા (51 કિગ્રા), મોહમ્મદ હુસામુદ્દીન (57 કિગ્રા) અને નિશાંત દેવ (71 કિગ્રા) એ મેડલ જીત્યા હતા.
Click here to
Read more