તમિલગા વેત્રી કઝગમ (TVK)ના નેતા અને સાઉથ એક્ટર થલાપતિ વિજય અને તેમના બાઉન્સર્સ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. ફરિયાદીનો આરોપ છે કે, 21 ઓગસ્ટના રોજ મદુરાઈમાં આયોજિત પાર્ટીની કોન્ફરન્સ દરમિયાન એક્ટરના બાઉન્સરે તેને ઉંચકીને રેમ્પ પરથી નીચે ઘા કરી દીધો હતો. પોલીસે વિજય અને તેના સુરક્ષા સ્ટાફ વિરુદ્ધ BNSની અનેક કલમો હેઠળ કેસ નોંધ્યો છે. ઇન્ડિયા ટુડેના અહેવાલ મુજબ, ફરિયાદ શરત કુમાર દ્વારા દાખલ કરવામાં આવી છે. તેમનું કહેવું છે કે, વિજય જે રેમ્પ પર ચાલી રહ્યો હતો, તે એ રેમ્પ પર ચઢવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પછી બાઉન્સરોએ તેને ધક્કો માર્યો. શરતે જણાવ્યું કે, તેણે પાઇપ પકડીને પોતાને સંભાળવાનો પ્રયાસ કર્યો, પરંતુ આખરે તે નીચે પડી ગયો અને તેની છાતીમાં ઈજા થઈ. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે. વાઇરલ વીડિયોમાં બાઉન્સર કાર્યકર્તાને રેમ્પ પરથી નીચે ફેંકી રહ્યો છે. કાર્યકર રેલિંગ પકડવાનો પ્રયાસ કરે છે પણ તે નીચે પડી જાય છે. 'હું ફક્ત વિજયને નજીકથી જોવા માંગતો હતો' ફરિયાદી શરત કુમારે કહ્યું, 'હું ફક્ત વિજયને જોવા માંગતો હતો, તેથી હું રેમ્પ પર ચઢી ગયો. બાઉન્સરોએ મને ધક્કો માર્યો અને મને ઈજા થઈ. તેથી જ મેં ફરિયાદ નોંધાવી છે અને જવાબદારો સામે કાર્યવાહીની માંગ કરી છે.' મદુરાઈના પરાપાઠી ખાતે આયોજિત આ સંમેલનમાં લાખો સમર્થકો એકઠા થયા હતા. કાર્યક્રમની શરૂઆત સાંસ્કૃતિક પ્રસ્તુતિ, ધ્વજવંદન અને પક્ષના નેતાઓ દ્વારા ઠરાવ સાથે થઈ હતી. વિજય લગભગ 300 મીટરના રેમ્પ પર ચઢીને ભવ્ય શૈલીમાં સ્ટેજ પર પહોંચ્યો. આ દરમિયાન શરતે તેને નજીકથી જોવાનો પ્રયાસ કર્યો હતો. નોંધનીય છે કે, આવતા વર્ષે તમિલનાડુમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. વિજય રાજકારણમાં સક્રિય છે. તે 'તમિલગા વેત્રી કઝગમ' (ટીવીકે) નો સ્થાપક પ્રમુખ છે. આ પાર્ટીની સ્થાપના વિજય દ્વારા 2 ફેબ્રુઆરી 2024 ના રોજ કરવામાં આવી હતી.
Click here to
Read more