Search…

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    ₹835 કરોડના અધધધ ખર્ચે બનેલી 'રામાયણ'ની પહેલી ઝલક રિલીઝ:રણબીર ‘શ્રીરામ’ અને યશ ‘રાવણ’ તરીકે દેખાયા, બે ભાગની ફિલ્મનો પાર્ટ-1 દિવાળી-2026માં રિલીઝ થશે

    3 months ago

    નિતેશ તિવારીના ડિરેક્શન અને નમિત મલ્હોત્રાના પ્રાઈમ ફોકસ સ્ટૂડિયોઝના પ્રોડક્શન હેઠળ ₹835 કરોડના તોતિંગ ખર્ચે બનેલી 'રામાયણ'ની પહેલી ઝલક રિલીઝ કરવામાં આવી છે. સાથે જ પહેલી વખત ફિલ્મની સ્ટારકાસ્ટ, ફિલ્મના બંને ભાગોની રિલીઝ ડેટ પણ જાહેર કરવામાં આવી છે. ફિલ્મનો પ્રથમ ભાગ દિવાળી 2026 અને બીજો ભાગ દિવાળી 2027માં રિલીઝ થશે. બોલિવૂડ સ્ટાર રણબીર કપૂર અને સાઉથ સ્ટાર યશ અને સાઇ પલ્લવી અભિનીત 'રામાયણ' ન માત્ર ભારતના ઉત્તર અને દક્ષિણ ભાગોને સાથે લાવી છે પરંતુ આ ફિલ્મ દ્વારા ભારતની મહાગાથા (રામાયણ), ભારતીય સ્ટાર્સનો અભિનય, યશનું મોન્સ્ટર માઇન્ડ ક્રિએશન પ્રોડક્શન હાઉસ અને 8 વખત ઓસ્કર (ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો સૌથી પ્રતિષ્ઠિક પુરસ્કાર) જીતી ચૂકેલા VFX સ્ટૂડિયો DNEGનું પ્રોડક્શન સાથે પૂર્વ અને પશ્ચિમના દેશની ભાગીદારીનો પણ ઉત્તમ નમૂનો રજૂ કરવામાં આવશે. 'રામાયણ'ના ધ ઇન્ટ્રોડક્શનના ગ્લોબલ લોન્ચ સાથે આ ફિલ્મની પહેલી ઝલક સામે આવી છે. તેમાં બે સૌથી મોટા પૌરાણિક પાત્રો રામ અને રાવણ વચ્ચેની લડાઈને ફરીથી જીવતી કરવામાં આવી રહી છે. 'રામાયણ'ની સ્ટારકાસ્ટ સીતારામની ગાથા દર્શાવતી 'રામાયણ'માં રામની ભૂમિકા રણબીર કપૂર ભજવી રહ્યા છે. જ્યારે માતા જાનકીની ભૂમિકામાં સાઉથ સ્ટાર સાઇ પલ્લવી જોવા મળશે. તેમજ લંકાપતિ રાવણની ભૂમિકા KGF ફેમ સાઉથ સ્ટાર યશ નિભાવશે. ભગવાન રામના ભક્ત હનુમાનજીની ભૂમિકા સની દેઓલ ભજવશે, જ્યારે રામની સાથે પડછાયાની જેમ રહેનાર લક્ષ્મણજીની ભૂમિકા ટીવી એક્ટર રવિ દુબે ભજવશે. દમદાર સ્ટારકાસ્ટ સાથે બોલિવૂડ-હોલિવૂડની જબરદસ્ત ટીમનું સંગમ દમદાર સ્ટારકાસ્ટની સાથે ફિલ્મમાં પહેલી વખત ઓસ્કર જીતેલા બે મ્યૂઝિક લેજેન્ડ્સ હાન્સ ઝિમર અને એ.આર.રહેમાને સાથે મળીને ફિલ્મનું સંગીત રચ્યું છે. ફિલ્મના મહાયુદ્ધ વાળા સીનને હોલિવુડના ટોપ સ્ટન્ટ ડિરેક્ટર ટેરી નોટરી (‘એવેન્જર્સ’, ‘પ્લેનેટ ઓફ ધ એપ્સ’) અને ગાય નોરિસ (‘મેડ મેક્સઃ ફ્યૂરી રોડ’, ‘ફ્યૂરિયોસા’) કોરિયોગ્રાફ કરી રહ્યા છે. જ્યારે ‘ડ્યુન 2’ અને ‘અલાદ્દીન’ ફેમ પ્રોડક્શન ડિઝાઇનર રવિ બંસલ અને કેપ્ટન અમેરિકા ફેમ રેમ્સે એવરી પ્રાચીન ભારતની ભવ્યતાને રૂપેરી પડદે જીવંત કરી રહ્યા છે. ફિલ્મની પહેલી ઝલકને ગ્લોબલી રિલીઝ કરાઈ 'રામાયણ'ની પહેલી ઝલકને ભારતના 9 મોટા શહેરોમાં ફેન્સ સાથે સ્ક્રિનિંગ કરવામાં આવી. ઉપરાંત તેને અમેરિકાના ન્યૂયોર્કના ટાઇમ્સ સ્ક્વેર પર બિલબોર્ડ ટેકઓવરે તેને ખરેખર ગ્લોબલ રિલીઝ બનાવી દીધી છે. આ મેગા પ્રોજેક્ટને પ્રોડ્યૂસર અને ફિલ્મ મેકર નમિત મલ્હોત્રાએ લીડ કરી છે અને સાઉથ સ્ટાર યશ તેના કો-પ્રોડ્યુસર છે. ફિલ્મમાં ઓસ્કર વિજેતા ટેકનિશિયન્સ, હોલિવૂડના ટોપ ક્રિએટર્સ, ભારતા સૌથી મોટા એક્ટર્સની ટીમ સાથે આવી છે, જેથી ભારતીય સંસ્કૃતિના અભિન્ન અંગ એવી આ ગાથાને નવા જમાનાના સિનેમેટિક યૂનિવર્સમાં બદલી શકાય, જે ન માત્ર ભારત પણ આખી દુનિયા માટે બનાવવામાં આવી છે. બે ભાગમાં 'રામાયણ' રિલીઝ થશે બે ભાગમાં રિલીઝ થનારી 'રામાયણ'ને લાઇવ-એક્શન સિનેમેટિક યૂનિવર્સ (એવી ફિલ્મ જેમાં એનિમેશન નહીં પરંતુ ખરેખર કલાકારો હોય)ની રીતે રજૂ કરવામાં આવી રહી છે. તેને ખાસ કરીને IMAX જેવા મોટા ફોર્મેટમાં શૂટ કરવામાં આવી છે. ભવ્ય સેટ અને દમદાર એક્ટિંગ ધરાવતી આ મહાગાથાને રૂપેરી પડદે જોવા માટે દર્શકોને હજુ થોડી રાહ જોવી પડશે. ફિલ્મનો પ્રથમ ભાગ દિવાળી 2026 અને બીજો ભાગ દિવાળી 2027માં રિલીઝ થશે. 'આ ફિલ્મ આપણા વારસાને વિશ્વ સામે રજૂ કરશે' પ્રાઇમ ફોકસના ફાઉન્ડર અને ફિલ્મ મેકર નમિત મલ્હોત્રાએ કહ્યું, 'આ માત્ર ફિલ્મ નથી પણ વિશ્વના દરેક ભારતીય માટે એક સાંસ્કૃતિક આંદોલન છે. રામાયણના માધ્યમથી અમે ન માત્ર ઇતિહાસનું પુનરાવર્તન કરી રહ્યા છીએ પરંતુ આપણા વારસાને વિશ્વની સામે રજૂ કરી રહ્યા છીએ. અમે આ પ્રોજેક્ટને દુનિયાના શ્રેષ્ઠ ટેલેન્ટ સાથે એટલા માટે જોડ્યો, કારણ કે આ ગાથા પૂરા સત્ય, લાગણી અને નવા જમાનાની ટેકનોલોજી સાથે દર્શાવી શકાય. આપણે રામાયણને અગાઉ પણ જોઈ જ છે પણ આ વખતે અમે તેના પાત્રો, યુદ્ધો અને લોકોને એવી ભવ્યતા સાથે દર્શાવી રહ્યા છે, જે દર્શકો ડિઝર્વ કરે છે. એખ ભારતીય હોવાના નાતે આ આપણું સત્ય છે અને હવે એ અમારી તરફથી વિશ્વને આપવામાં આવેલી ભેટ છે.' 'રામાયણને ભવ્ય સિનેમેટિક સ્વરૂપમાં રજૂ કરી છે' ફિલ્મ ડિરેક્ટર નિતેશ તિવારીએ કહ્યું કે, 'રામાયણ એ એવી વાર્તા છે, જેના સથવારે આપણે સૌ મોટા થયા છીએ. તે આપણી સંસ્કૃતિના આત્માને પોતાનામાં સમાવેલી છે. અમારો ઉદ્દેશ્ય એ જ હતો કે આ આત્માને સન્માન આપીએ અને તેને એ ભવ્ય સિનેમેટિક સ્વરૂપમાં રજૂ કરીએ, જેની તે સાચી હકદાર છે. એક ફિલ્મમેકર તરીકે આ મારા માટે ઘણી મોટી જવાબદારી છે, પરંતુ તેટલી જ દિલથી જોડાયેલી સન્માનની વાત પણ છે કે મને તેને પડદા પર ઉતારવાનો મોકો મળ્યો. આ વાર્તા સદીઓથી લોકોના દિલમાં જીવંત છે, કારણ કે તે આપણા અંદર કોઈ ઊંડા અને શાશ્વત અહેસાસને સ્પર્શે છે. અમે ફક્ત એક ફિલ્મ નથી બનાવી રહ્યા, પરંતુ અમે એક એવું વિઝન આપી રહ્યા છીએ, જે શ્રદ્ધામાં ડૂબેલું છે, ગુણવત્તાથી ઘડાયેલું છે અને દરેક સીમાને પાર જવાની તાકાત રાખે છે.'
    Click here to Read more
    Prev Article
    બીજા દિવસે શુભમનની નજર ડબલ સેન્ચુરી પર:જાડેજા સાથે 100 રનની ભાગીદારી, ભારતનો ટાર્ગેટ 500થી વધુ રન બનાવવાનો રહેશે
    Next Article
    સેન્સેક્સ 170 પોઈન્ટ ઘટીને 83,239 પર બંધ:નિફ્ટી પણ 48 પોઈન્ટ ગગડ્યો; રિયલ્ટી અને બેંકિંગ શેર 1% ઘટ્યા, ઓટો-ફાર્મા-મીડિયામાં તેજી રહી

    Related Entertainment Updates:

    Comments (0)

      Leave a Comment