Editor's View: ડોલર સામે પડ્યા એ ગયા:સદ્દામનો ખાત્મો-ગદ્દાફીના હાલહવાલ, દુનિયાભરની સરકારોને ઊથલાવવા 72 વાર પ્રયાસ, જાણો અમેરિકાની અસલીયતનો એ અધ્યાય
1 week ago

વોશિંગ્ટન પોસ્ટનો એક રિપોર્ટ છે કે કોલ્ડવોર પછી અમેરિકાએ દુનિયાભરના દેશોની સરકારને ઊથલાવવા માટે એટલે તખ્તા પલટ માટે 72 વાર પ્રયાસ કર્યા. દુનિયાના કોઈપણ ખૂણે, નાનામાં નાના દેશમાં કાંઈ થતું હોય કે ન થતું હોય, અમેરિકા તરત કૂદી પડે છે. પણ અમેરિકા આવું કેમ કરે છે? એનું એક જ કારણ છે. ડોલર. અમેરિકા ઈચ્છે છે કે દુનિયાના દેશો પરથી 'રંગ ડોલરિયો' ન ઉતરવો જોઈએ. વિશ્વના દેશો, ખાસ કરીને બ્રિક્સના દેશો ડી-ડોલરાઈઝેશનની વાત કરી રહ્યા છે. નમસ્કાર, ઈઝરાયલમાં નેતન્યાહૂ એકચક્રી શાસન જાળવી રાખવા માગે છે. પણ એ જાળવી શકશે કે કેમ તે સવાલ છે. ઈરાનમાં સુપ્રીમ લીડર ખોમેની 86 વર્ષના તો થયા. પણ સત્તાનો મોહ જતો નથી. એવું કહેવાય છે કે આજે નહીં તો કાલે, ઈઝરાયલ ગમે ત્યારે ખોમેનીનો ખાત્મો બોલાવીને ઈરાનમાં તખ્તા પલટ કરાવશે. આ તખ્તા પલટ પણ અમેરિકાના ઈશારે થશે. ફરી, અહીં ડોલરનું કનેક્શન મળે છે. જ્યાં સુધી ડોલર મજબૂત છે, ત્યાં સુધી અમેરિકા સુપર પાવર છે 1776માં જ્યારે અમેરિકાનો જન્મ થયો. ત્યારથી લઈને અત્યાર સુધી 249 વર્ષ જૂનું અમેરિકા 249માંથી 222 વર્ષ કોઈને કોઈ રીતે યુદ્ધ લડતું રહ્યું છે. દુનિયાના 205 દેશ છે અને દરેક દેશની દરેક બાબતમાં અમેરિકા દખલ આપતું આવ્યું છે. આવું કેમ? એવો સવાલ થાય. તો એનું કારણ છે ડોલર. ડોલર છે તો કાગળનો ટુકડો પણ આ કાગળના ટુકડાએ અમેરિકાને દુનિયામાં સુપર પાવર બનાવી રાખ્યું છે. અમેરિકાને ડોલરનું જ ઘમંડ છે. દુનિયા સાક્ષી છે કે જ્યારે જ્યારે કોઈ દેશે ડોલરને નબળો પાડવાની કોશિશ કરી ત્યારે ત્યારે અમેરિકાએ એ દેશને બરબાદ કરી દીધો છે. હવે બ્રિક્સ દેશો ડોલર સામે પોતાની કરંસી લાવવા માગે છે. આ બ્રિક્સ દેશોનું નાક ટ્રમ્પ દબાવી રહ્યા છે. ઈરાન બ્રિક્સ દેશોનું સભ્ય નથી પણ તેમાં સામેલ તો છે જ. બ્રિક્સનું સપોર્ટર તો છે જ. સદ્દામ હુસૈને ડોલરના બદલે યુરોમાં કારોબાર શરૂ કર્યો ને તખ્તા પલટ થયોઅમેરિકાએ ઈરાક પર હુમલો કર્યો તેના ત્રણ મહિના પહેલાં સદ્દામ હુસૈને કેબિનેટમાં એક નિર્ણય લીધો હતો. નિર્ણય એ હતો કે હવેથી ઈરાક ક્રૂડ ઓઈલનો કારોબાર ડોલરમાં નહીં પણ યુરોમાં કરશે. સદ્દામ હુસૈને અબજો રૂપિયાના ડોલર બેન્કમાંથી કાઢીને તેને યુરોમાં કન્વર્ટ કરી નાખ્યા હતા. તેનો સીધો અર્થ એ કે ઈરાકે ડોલરને નબળો પાડી દીધો હતો. અમેરિકાને આ પેટમાં દુખ્યું ને સદ્દામ સામૂહિક વિનાશ કરી રહ્યા છે... ક્રૂર છે... તેવી છાપ ઊભી કરીને અમેરિકાએ ઈરાક પર હુમલા શરૂ કરી દીધા. અંતે ઈરાકમાં તખ્તા પલટ થયો ને સદ્દામને ફાંસીએ ચડાવી દીધા. ગદ્દાફીના પણ હાલહવાલ કરી નાખ્યા લીબિયા પર 40 વર્ષ સુધી શાસન કરનારા કર્નલ મોહમ્મદ ગદ્દાફીની વાતો અજાણી નથી. તે કરંસીમાં ગોલ્ડ દીનાર શરૂ કરવાનો પ્રસ્તાવ લાવી ચૂક્યા હતા. નાઈજિરિયા, ટ્યુનિશિયા, ઈજિપ્ત અને અંગોલા ગોલ્ડન દીનારના ઉપયોગ માટે રાજી પણ થઈ ગયા હતા. એટલે આ દેશોમાં ડોલરની જગ્યા ગોલ્ડ દીનારનું ચલણ આવવાનું હતું. અમેરિકાને ગંધ આવી ગઈ કે કર્નલ ગદ્દાફી ડોલરની જગ્યાએ ગોલ્ડ દીનાર લાવવા માટે મોટાપાયે સોનું ભેગું કરે છે. લીબિયા 150 ટન સોનું ભેગું કરી ચૂક્યું હતું. આ વાતની જાણ થતાં જ અમેરિકાએ માનવ અધિકારનું ઉલ્લંઘન ગણાવીને નાટોની મદદથી લીબિયામાં તખ્તા પલટો કરાવીને ગદ્દાફીને હટાવી દીધા. ટ્રમ્પ હવે બ્રિક્સ દેશો સામે નહોર ભરાવે છે 2024માં બ્રિક્સ સમિટમાં રશિયાના રાષ્ટ્રપતિ પુતિને બ્રિક્સ દેશો માટે નવી કરંસી લાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. બ્રિક્સમાં પાંચ દેશ સદસ્ય છે. બ્રાઝીલ, રશિયા, ઈન્ડિયા, ચીન અને સાઉથ આફ્રિકા. આ સિવાય ઈરાન, યુએઈ, ઈજિપ્ત અને ઈથોપિયાને પણ બ્રિક્સમાં સામેલ કરવામાં આવ્યા છે. આ દેશો બ્રિક્સના સપોર્ટર છે. બ્રિક્સ દેશોમાં સામેલ દેશોની GDP દુનિયાની GDPના 37 ટકા છે. એવી રીતે વસ્તીની દ્રષ્ટિએ બ્રિક્સ દેશોની વસ્તી દુનિયાની વસ્તીના 45 ટકા છે. જો બ્રિક્સ તેની કરન્સી લાવશે તો દુનિયાનું શું થાય? બ્રિક્સ દેશો પણ જાણે છે કે તે જે કરંસી લાવશે તેની વેલ્યુ ડોલરથી આંકવામાં આવશે. એટલે બ્રિક્સ દેશોએ નક્કી કર્યું કે બ્રિક્સ દેશોની કરંસીની વેલ્યુ ડોલર સાથે નહીં સરખાવાય. પણ બ્રિક્સ દેશો પાસે બેન્કોમાં રહેલા સોનાના ભંડાર સાથે સરખાવવામાં આવશે. બ્રિક્સ દેશોનો પ્લાન જ એવો છે કે નવી કરંસી લાવવામાં આવે તો તમામ વ્યવહાર ડોલરથી નહીં પણ બ્રિક્સ કરંસીથી થાય. ડોલરની સામે એક નવું જ બ્રિક્સ ચલણ લાવવા કવાયત રશિયાના કઝાન શહેરમાં 2024માં બ્રિક્સ સમિટ હતી. બ્રિક્સના યજમાન પુતિન હતા. પુતિને કહ્યું- બ્રિક્સ ચલણમાં સમય લાગી શકે છે. બ્રિક્સ હાલમાં રાષ્ટ્રીય ચલણનો ઉપયોગ વધારવા માટે સંશોધન કરી રહ્યું છે. આ સમિટમાં બ્રિક્સ ચલણ પર ચર્ચા થઈ નથી. એના બદલે ધીમે ધીમે ડોલરનું મહત્ત્વ ઘટાડવાની વાત થઈ રહી છે. પુતિને એમ પણ કહ્યું હતું કે બ્રિક્સ એવી સિસ્ટમ વિશે વાત કરી રહ્યું છે, જેનો ઉપયોગ બ્રિક્સ દેશો વચ્ચેના વેપારમાં થઈ શકે. ઉપરાંત ડોલર અને યુરો જેવી વેસ્ટર્ન કરન્સીનો આંતરરાષ્ટ્રીય વેપારમાં ઉપયોગ ન થાય. બ્રિક્સ સમિટ પહેલાં જ્યારે નવી કરન્સીની વાતચીત ચાલી રહી હતી ત્યારે વિદેશમંત્રી એસ. જયશંકરે કહ્યું હતું કે ભારતે ક્યારેય ડોલરને ટાર્ગેટ બનાવ્યો નથી, કારણ કે તે દેશની આર્થિક, રાજકીય અથવા વ્યૂહાત્મક નીતિનો ભાગ નથી. ભારતનો આવો કોઈ ઈરાદો ક્યારેય નહોતો. એ વાત સાચી છે કે ભારતના કેટલાક ભાગીદારો ડોલરમાં વેપાર કરવામાં મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ટ્રમ્પની અસ્થિર નીતિઓના કારણે ડોલર ઘટી રહ્યો છે ટ્રેડ વોર અને દુનિયાની સૌથી મોટી અર્થવ્યવસ્થા નબળી પડવાની આશંકા સેવાઈ રહી છે ત્યારે મોર્ગન સ્ટેનલી, જેપી મોર્ગન અને ગોલ્ડમેન સેક્સ જેવી રોકાણ બેન્ક ભવિષ્યમાં ડોલરમાં વધુ ઘટાડો થવાની સંભાવના વ્યક્ત કરી રહી છે. ટ્રમ્પની સંરક્ષણવાદી અને અસ્થિર નીતિઓને કારણે ડોલર ઘટી રહ્યો છે. આ નીતિને કારણે અમેરિકાની શાખને નુકસાન થઈ રહ્યું છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પના નિર્ણયો અમેરિકાના વિકાસને અસર કરી શકે એમ છે. ડોલરનાં સુરક્ષિત ઈન્વેસ્ટમેન્ટ સામે સવાલો ઊભા થયા છે. બની શકે કે દુનિયાના દેશો ડોલરથી વિમુખ થવા લાગે. ડોલર નીચો આવવાને પરિણામે અમેરિકી નિકાસ આંતરરાષ્ટ્રીય બજારમાં સસ્તી થઈ જાય છે. આ સાથે અમેરિકામાં આયાત કરેલી વસ્તુઓ મોંઘી થઈ જાય છે. સરવાળે નુકસાન અમેરિકન પ્રજાને છે. ડૉલરમાં થઈ રહેલો ઘટાડો કેટલાક ગંભીર સંકેતો આપે છે. દુનિયાના દેશોનો અમેરિકા પરનો વિશ્વાસ ઘટી રહ્યો છે. ડોલર નબળો પડતો જાય છે, ફરી મજબૂત થશે ખરો? કેલિફોર્નિયા યુનિવર્સિટી બર્કલેના અર્થશાસ્ત્રી બૈરી આઇચેંગ્રીને એપ્રિલના એન્ડમાં એવું સ્ટેટમેન્ટ આપ્યું હતું કે, ડોલર પર દુનિયાનો વિશ્વાસ અને નિર્ભરતા ઊભી કરતાં અડધી સદી જેટલો સમય લાગ્યો છે. પણ એને પળવારમાં ખોઈ શકાય એમ છે. આ બધું એક નાજુક મશીનરીની જેમ કામ કરે છે, જેમાં જો એક ભાગ ખસે, તો બીજા ભાગોને પણ અસર થાય છે. એપ્રિલમાં ટ્રમ્પની વારંવાર બદલાતી જતી ટેરિફ જાહેરાતોએ રોકાણકારોનો વિશ્વાસ ડગમગાવ્યો હતો અને યુએસ બોન્ડસને નુકસાન થયું હતું. આ બોન્ડસ સરકાર પૈસા એકત્રિત કરવા માટે જાહેર કરે છે. હા, એક વાત એ પણ સ્વીકારવી પડે કે યુઆન, બિટકોઇન કે સોના જેવી ડોલરની માગને બદલી શકે તેવું કોઈ બીજું ચલણ કે સંપત્તિ નથી, હાલમાં ડોલરનો કોઈ વિકલ્પ નથી. ટ્રમ્પ સરકાર ડોલરને નબળો નહીં પડવા દે દુનિયાનાં મુખ્ય છ ચલણ - યુરો, જાપાની યેન, બ્રિટિશ પાઉન્ડ, કેનેડિયન ડોલર, સ્વીડિશ ક્રોના અને સ્વિસ ફ્રાન્ક સામે ડોલર કેટલો મજબૂત છે તેના માપને ડોલર ઇન્ડેક્સ કહેવાય છે. સપ્ટેમ્બર-2024ના અંતથી અત્યાર સુધીમાં આ ઇન્ડેક્સ લગભગ 10 ટકા વધ્યો છે અને બે વર્ષ કરતાં વધુ સમયની ઊંચી સપાટી પર છે. એટલે કે તમામ દેશોનું ચલણ ઘટી રહ્યું છે, પણ ડોલર વધ્યો છે. વિશ્વના વ્યવહારો ડોલરમાં જ કેમ થવા લાગ્યા? ડોલરની મજબૂતાઈનું બીજું એક મોટું કારણ હતું. 1945માં યુએસ પ્રમુખ રૂઝવેલ્ટે સાઉદી સાથે એક કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. કરારની શરત એ હતી કે અમેરિકા તેનું રક્ષણ કરશે અને એના બદલામાં સાઉદી માત્ર ડોલરમાં ઓઈલ વેચશે. એનો અર્થ એ કે જે દેશો ઓઈલ ખરીદવા માગતા હોય તો તેમની પાસે ડોલર હોવા જ જોઈએ. 1970ના દાયકાની શરૂઆતમાં ઘણા દેશોએ ડોલરના બદલામાં સોનાની માગ કરવાનું શરૂ કર્યું. આ દેશો અમેરિકાને ડોલર આપતા હતા અને એના બદલામાં સોનું લેતા હતા. આના કારણે અમેરિકાના સોનાના ભંડારમાં ઘટાડો થવા લાગ્યો. 80 વર્ષ પછી એટલે કે 2024માં દુનિયાનો 80% વેપાર અને 58% પેમેન્ટ ડોલરમાં થાય છે. આ સાથે દુનિયાની 64% લોન અને 59% ફોરેન એક્સચેન્જ રિઝર્વ ડોલરમાં છે. અમેરિકી ડોલરના આ વર્ચસ્વને ઘટાડવાની કોશિશો થતી રહે છે. જુલાઈ 2022માં 1 યુએસ ડોલરની કિંમત પહેલીવાર 80 રૂપિયાને પાર કરી ગઈ હતી અને આજે જ્યારે આ વાત કરી રહ્યા છીએ ત્યારે એક ડોલરની કિંમત 85 રૂપિયા આસપાસ છે. આંકડા પરથી સમજો કે વિશ્વભરમાં ડોલરની પકડ કેટલી મજબૂત છે- 2022માં ભારતે પોતાની કરન્સીથી ટ્રેડની જાહેરાત કરી હતી પુતિને ભલે બ્રિક્સની નવી કરંસીનો પ્રસ્તાવ 2024માં મૂક્યો પણ 11 જુલાઈ 2022ના દિવસે ભારત સરકારે મહત્વનું એલાન કર્યું હતું કે ભારત બીજા દેશો સાથે ટ્રેડ ભારતીય ચલણમાં કરશે. આ પછી ઘણા દેશોની નેશનલ બેન્કોમાં ભારતે પોતાની બ્રાન્ચ પણ ખોલવાની શરૂ કરી દીધી. ભારત એ પણ જાણે છે કે ભારતીય કરંસીથી ટ્રેડ કરવાનો કોઈ મતલબ નથી જ્યાં સુધી રૂપિયાની વેલ્યુ મજબૂત ન હોય. કોઈપણ દેશની કરંસી ત્યારે જ મજબૂત થાય છે જ્યારે એ દેશ પાસે રિઝર્વ ગોલ્ડ વધારે હોય. દુનિયામાં રિઝર્વ ગોલ્ડ મામલે ભારતનો આઠમો નંબર છે. ભારત પાસે આશરે 840 ટન સોનાનો ભંડાર છે. આ મામલે અમેરિકા પહેલા નંબરે છે. ક્યા દેશ પાસે કેટલું સોનું? ખાડી દેશોમાં ભારતીય રૂપિયા ચાલતા, પણ નસીબ આડે પાંદડું આવી ગયું બહુ ઓછાને ખબર હશે કે આઝાદી પછી 1947થી 1966 સુધી ખાડી દેશો કુવૈત, યુએઈ, બહેરીન, કતાર, ઓમાનમાં ભારતીય કરન્સી જ ચાલતી હતી. ત્યારે કોઈ દીનાર કે રિયાલ કરન્સી નહોતી. કારણ કે ભારતની સાથે આ ખાડી દેશોને પણ અંગ્રેજોથી આઝાદી મળી હતી એટલે ગલ્ફ દેશોમાં ભારતીય રૂપિયાનું જ ચલણ હતું. પણ ભારતનો રૂપિયો નબળો પડ્યો યુદ્ધના કારણે. 1962માં પાકિસ્તાન સાથે યુદ્ધ. 1965માં ચીન સાથે યુદ્ધ. 1966માં બિહારના ભયંકર દુકાળે ભારતના અર્થતંત્રને તહેસ નહેસ કરી નાખ્યું. એક ડોલર સામે ભારતીય 4 રૂપિયા હતા તે વધીને સાડાસાત રૂપિયા થઈ ગયા. ભારતનો રૂપિયો નબળો પડતાં ખાડી દેશો ગભરાઈ ગયા. તેમને આર્થિક મંદીનો ભય સતાવવા લાગ્યો. ત્યારે આ દેશોએ ભારતીય કરન્સીના બદલે પોતપોતાની કરન્સી શરૂ કરવાનો નિર્ણય લીધો. આ રીતે ખાડી દેશોમાં રૂપિયાની જગ્યા દીનાર અને દીરહામે લઈ લીધી. ખાડી દેશોના નસીબ જુઓ. પોતાની કરન્સી શરૂ કર્યાના થોડા સમયમાં જ ખબર પડી કે તેમની પાસે ક્રૂડ ઓઈલનો ભંડાર છે. એટલે દીનાર અને દીરહામ સડસડાટ ઉપર ગયા. જો ભારતની કરન્સી ચાલુ રહી હોત તો ભારતનો રૂપિયો ડોલરને ટક્કર આપતો હોત. છેલ્લે,યુરોપમાં ચાંદીના સિક્કાનું ચલણ હતું, તેને 'થેલર' કહેવાતું. થેલર શબ્દ પરથી ડોલર શબ્દ ઉતરી આવ્યો. એક ડોલર, બે ડોલર, દસ ડોલર, સો ડોલર એમ દરેક નોટ પર અલગ અલગ રાષ્ટ્રપતિની તસવીરો છે. એ દિવસો ય દૂર નથી કે ડોલરની નવી નોટ પર ટ્રમ્પનો ફોટો પણ હશે. સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગ્યે તમે જોતાં રહો એડિટર્સ વ્યૂ. સોમવારે ફરી મળીશું. નમસ્કાર. (રિસર્ચઃ યશપાલ બક્ષી)
Click here to
Read more