એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ગેરકાયદેસર સટ્ટાબાજી એપ્લિકેશન '1xBet' સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં બોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા અને TMC (તૃણમુલ કોંગ્રેસ)ની પૂર્વ સાંસદ મીમી ચક્રવર્તીને સમન્સ પાઠવ્યા છે. આ કેસમાં અગાઉ પૂર્વ ભારતીય ક્રિકેટર શિખર ધવન અને એપના બ્રાન્ડ એમ્બેસેડર સુરેશ રૈનાની પૂછપરછ થઈ ચૂકી છે. ભૂતપૂર્વ સંસદ સભ્ય મીમી ચક્રવર્તી 15 સપ્ટેમ્બરે હાજર થવાની છે, જ્યારે ઉર્વશી રૌતેલાની 16 સપ્ટેમ્બરે EDના દિલ્હી મુખ્યાલયમાં પૂછપરછ કરવામાં આવશે. આ કેસમાં ED અગાઉ પૂર્વ ભારતીય ક્રિકેટર શિખર ધવન અને સુરેશ રૈનાની પૂછપરછ કરી હતી. એક મહિનો અગાઉ સુરેશ રૈનાએ દિલ્હી ખાતે EDના મુખ્યાલયમાં વિવિધ પ્રશ્નોના જવાબ આપ્યા હતા. ત્યારબાદ 4 સપ્ટેમ્બરના રોજ શિખર ધવનની 8 કલાક પૂછપરછ કરવામાં આવી હતી, જેમાં પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ તેનું નિવેદન નોંધવામાં આવ્યું હતું. ED શિખર ધવનના 1xBet એપ સાથેના કથિત લિંક્સની તપાસ કરી રહી છે. ED આ કેસમાં હરભજન સિંહ અને યુવરાજ સિંહની પણ પૂછપરછ કરી ચૂકી છે. શું છે આખો મામલો? સટ્ટાબાજી એપ્લિકેશન '1xBet' એ ગત વર્ષે ડિસેમ્બરમાં ક્રિકેટર સુરેશ રૈનાને પોતાનો ગેમિંગ એમ્બેસેડર બનાવ્યો હતો. કંપનીએ ત્યારે કહ્યું હતું કે, 'સુરેશ રૈના સાથેની અમારી ભાગીદારી ગેમિંગ સટ્ટાબાજી ચાહકોને જવાબદારીપૂર્વક સટ્ટો રમવા માટે પ્રોત્સાહિત કરશે. તેથી, તેમની ભૂમિકાને 'રિસ્પોન્સિબલ ગેમિંગ એમ્બેસેડર' નામ આપવામાં આવ્યું છે અને તે અમારી બ્રાન્ડના આવાં પહેલા એમ્બેસેડર છે.' EDને શંકા છે કે, '1xBet' એપ ગેરકાયદેસર સટ્ટાબાજી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપતી હતી, જેના કારણે મની લોન્ડરિંગ થયું હતું. એજન્સી કથિત ગેરકાયદેસર પ્રવૃત્તિઓની હદ જાણવા માટે એપ સાથે સંકળાયેલા નાણાકીય વ્યવહારો અને સમર્થનની તપાસ કરી રહી છે. તપાસ આગળ વધતાં વધુ સેલિબ્રિટી અને ખેલાડીઓને પૂછપરછ માટે બોલાવવામાં આવે તેવી અપેક્ષા છે. સાઉથ સ્ટાર રાણા દગ્ગુબાતી, વિજય દેવરકોંડા અને પ્રકાશ રાજના પણ નિવેદન નોંધાયા રાણા દગ્ગુબાતી, વિજય દેવેરાકોંડા અને પ્રકાશ રાજ સહિત ઘણા સેલેબ્સ ઓનલાઈન સટ્ટાબાજી એપ્લિકેશન્સનો પ્રચાર કરે છે. 19 માર્ચે, 32 વર્ષીય બિઝનેસમેન ફણીન્દ્ર શર્માએ હૈદરાબાદના મિયાપુર પોલીસ સ્ટેશનમાં આ બધાં અને લગભગ 25 સેલેબ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આરોપ છે કે, સેલેબ્સે ગેરકાયદેસર રીતે સટ્ટાબાજી એપ્સનો પ્રચાર કર્યો છે, જેના કારણે લોકોને આર્થિક નુકસાન થઈ રહ્યું છે. ફરિયાદમાં જણાવાયું છે કે, 'આ સેલિબ્રિટીઓને આવી સટ્ટાબાજીની એપ્સમાં રોકાણ કરવા માટે પ્રોત્સાહિત કરવા માટે મોટી રકમ ચૂકવવામાં આવી હતી.' ફણીન્દ્રાએ એમ પણ કહ્યું હતું કે, 'તે પોતે આવી એપમાં રોકાણ કરવા જઈ રહ્યો હતો, પરંતુ તેના પરિવાર પાસેથી સલાહ લીધા પછી, તેણે પોતાનો વિચાર બદલી નાખ્યો કારણ કે તેમાં મોટું નાણાકીય જોખમ હતું.' 'તમામ સેલિબ્રિટીઓ પર ભારતીય દંડ સંહિતા (BNS), તેલંગાણા ગેમિંગ એક્ટ (2017) અને IT એક્ટ હેઠળ આરોપ મૂકવામાં આવ્યા છે, જે તમામ પ્રકારના ઓનલાઈન સટ્ટાબાજી પર પ્રતિબંધ મૂકે છે.' પીટીઆઈ (સમાચાર એજન્સી) અનુસાર, ઘણાં સેલિબ્રિટી 'જંગલી રમી', 'જીતવિન' અને 'લોટસ 365' જેવા ઓનલાઈન સટ્ટાબાજી પ્લેટફોર્મને પ્રમોટ કરતા હોવાની શંકા છે. બદલામાં, તેમણે એન્ડોર્સમેન્ટ ફી અથવા સેલિબ્રિટી ફી લીધી હતી. અધિકારીઓને શંકા છે કે, આ પ્રમોશનલ પ્રવૃત્તિઓ દ્વારા મોટી માત્રામાં નાણાંની ઉચાપત કરવામાં આવી હતી, જેમાં મની લોન્ડરિંગનો સમાવેશ થઈ શકે છે. સૂત્રોએ એમ પણ જણાવ્યું હતું કે, 'આમાંના કેટલાક સેલિબ્રિટીઓએ અગાઉ કહ્યું હતું કે, તેઓ જાણતા નથી કે આ એપ્સ કેવી રીતે કાર્ય કરે છે. તેમણે કહ્યું હતું કે, તેમનો હેતુ ગેરકાયદેસર કોઈપણ વસ્તુને પ્રોત્સાહન આપવાનો કે કોઈપણ પ્રકારની સટ્ટાબાજીમાં જોડાવાનો નહોતો.' સૂત્રોએ જણાવ્યું હતું કે, 'આ પ્લેટફોર્મ્સમાંથી કુલ કમાણી અને દરેક સેલિબ્રિટીની ભૂમિકા શું હતી, તે જાણવા માટે હાલમાં એક મોટી તપાસ ચાલી રહી છે. તેમના નિવેદનો નોંધાયા પછી જ તેમની જવાબદારી નક્કી કરવામાં આવશે.'
Click here to
Read more