બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રાની મુશ્કેલીમાં વધારો થયો છે. ચાર દિવસ EOW (આર્થિક ગુના શાખા)એ શિલ્પા-રાજને લુકઆઉટ નોટિસ ફટકારી હતી. તેવામાં આજે, રાજ કુન્દ્રાના જન્મ દિવસે EOWએ રાજને સમન પાઠવ્યું છે. બિઝનેસમેનને 15 સપ્ટેમ્બરે EOW સમક્ષ હાજર થવા અને પોતાનું નિવેદન નોંધાવવા સુચના આપવામાં આવી છે. અગાઉ રાજ કુન્દ્રાને 10 સપ્ટેમ્બરે હાજર થવા માટે સમન્સ પાઠવવામાં આવ્યું હતું, જોકે તેણે સમય માંગ્યો હતો. ત્યારબાદ તે હવે 15 ઓગસ્ટે પોતાનું નિવેદન નોંધાવશે. તપાસ પૂર્ણ ન થાય, ત્યાં સુધી રાજ કુન્દ્રા ભારતની બહાર જઈ શકશે નહીં. શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રાને 60 કરોડના છેતરપિંડીના કેસમાં ત્રણ વખત સમન્સ પાઠવવામાં આવ્યા છે. બંનેએ તેમના વકીલ દ્વારા તપાસ અધિકારીઓને જણાવ્યું હતું કે, તેઓ લંડનમાં રહે છે, જેના કારણે તેઓ હાજર થઈ શકશે નહીં. આ જ કારણ હતું કે, તેમના વકીલ પ્રશાંત પાટિલ દર વખતે તેમના વતી હાજર થયા હતા. જોકે, EOW એ કહ્યું છે કે, તેમને વકીલ તરફથી સંપૂર્ણ માહિતી મળી નથી. આ કેસમાં 3 સમન્સ બાદ, ઓગસ્ટમાં દંપતી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આજે રાજ કુન્દ્રાનો 50મો જન્મદિવસ રાજ કુન્દ્રાનો 9 સપ્ટેમ્બર 1975ના રોજ જન્મ થયો હતો. આજે, તેના 50માં જન્મદિવસે પત્ની શિલ્પાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર રાજનો ફોટો અને વીડિયો શેર કરીને લખ્યું, મારા પ્રિય કૂકી, આ માઇલસ્ટોન જન્મદિવસ પર, હું પ્રાર્થના કરું છું કે, ભગવાન હંમેશા તમને આશીર્વાદ આપે અને તમે સુરક્ષિત રહો. અમે ખૂબ ભાગ્યશાળી છીએ કે, તમે અમારા જીવનમાં છો. તમે હંમેશા હસતા રહો, સારું સ્વાસ્થ અને સફળતા મળે. ભગવાન 'મહેર' કરે. આખો મામલો શું છે? મુંબઈના બિઝનેસમેન દીપક કોઠારીએ 14 જૂનના રોજ જુહુ પોલીસ સ્ટેશન ખાતે શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રા વિરુદ્ધ ₹60.48 કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદીએ દાવો કર્યો હતો કે '2015થી 2023ની વચ્ચે તેણે વ્યવસાયને વિસ્તૃત કરવા માટે દંપતીને કુલ 60.48 કરોડ રૂપિયા આપ્યા હતા, પરંતુ આ રકમ વ્યક્તિગત ખર્ચમાં ખર્ચવામાં આવી હતી.' શિલ્પા કંપનીની 87% શેરહોલ્ડર હતી ફરિયાદી બિઝનેસમેનના જણાવ્યા મુજબ, તેઓ 2015માં એજન્ટ રાજેશ આર્ય મારફત શિલ્પા અને રાજ કુન્દ્રાને મળ્યા હતા. એ સમયે બંને બેસ્ટ ડીલ ટીવીના ડિરેક્ટર હતાં અને શિલ્પા કંપનીના 87%થી વધુ શેરની માલિકી ધરાવતી હતી. એક બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો કે દીપક શિલ્પા અને રાજ કુન્દ્રાની કંપનીને લોન આપશે. કંપની માટે ₹75 કરોડની લોન માગવામાં આવી હતી, જેના પર 12% વાર્ષિક વ્યાજ નક્કી કરવામાં આવ્યું હતું. દીપક કોઠારીનો આરોપ છે કે પાછળથી શિલ્પા અને રાજ કુન્દ્રાએ તેમને કહ્યું કે લોન પર ટેક્સની સમસ્યા થઈ શકે છે, એટલે આપણે રોકાણ તરીકે બતાવીશું અને દર મહિને વળતર આપીશું. ₹31.95 કરોડ રૂપિયાની પહેલી ચુકવણી એપ્રિલ 2015માં કરવામાં આવી હતી એપ્રિલ 2015માં કોઠારીએ લગભગ 31.95 કરોડ રૂપિયાની પહેલી ચુકવણી કરી હતી. ટેક્સની સમસ્યા ચાલુ રહેતાં સપ્ટેમ્બરમાં બીજો સોદો થયો અને જુલાઈ 2015 અને માર્ચ 2016 વચ્ચે, તેમણે બીજા 28.54 કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા. કુલ મળીને તેમણે 60.48 કરોડ રૂપિયા ચૂકવ્યા. ઉપરાંત સ્ટેમ્પ ડ્યૂટી તરીકે 3.19 લાખ રૂપિયા ચૂકવ્યા. કોઠારીનો દાવો છે કે શિલ્પાએ એપ્રિલ 2016માં તેમને વ્યક્તિગત ગેરંટી પણ આપી હતી, પરંતુ એ જ વર્ષે સપ્ટેમ્બરમાં તેમણે કંપનીના ડિરેક્ટરપદ પરથી રાજીનામું આપી દીધું. આ પછી શિલ્પાની કંપની દ્વારા 1.28 કરોડ રૂપિયાની લોન ન ચૂકવવાનો કેસ પ્રકાશમાં આવ્યો. કોઠારીને આ વાતની કોઈ જાણકારી નહોતી. તેમણે ઘણી વખત પોતાના પૈસા પાછા માગ્યા, પરંતુ કોઈ જવાબ કે પૈસા મળ્યા નહીં. પહેલા જુહુ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી અને બનાવટી હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. રકમ ₹10 કરોડથી વધુ હોવાથી તપાસ આર્થિક ગુના શાખા (EOW)ને સોંપવામાં આવી છે. EOW આ કેસની તપાસ કરી રહી છે. રાજ કુન્દ્રા અને શિલ્પા શેટ્ટીના વકીલ એડવોકેટ પ્રશાંત પાટીલે દિવ્ય ભાસ્કર સાથે વાત કરતાં જણાવ્યું હતું કે મારા કલાયન્ટને કેટલાક ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયા દ્વારા જાણવા મળ્યું છે કે, તેમના વિરુદ્ધ આર્થિક ગુના શાખા (EOW), મુંબઈમાં કેસ નોંધવામાં આવ્યો છે. સૌપ્રથમ મારા કલાયન્ટ બધા આરોપોને નકારે છે. આ એક સંપૂર્ણપણે સિવિલ મામલો છે, જેનો NCLT મુંબઈ દ્વારા 4 ઓક્ટોબર 2024ના રોજ સમાધાન કરવામાં આવ્યું હતું. પ્રશાંત પાટીલે વધુમાં કહ્યું- આ એક જૂનાં ટ્રાન્ઝેક્શન છે, જેમાં કંપની નાણાકીય મુશ્કેલીમાં મુકાઈ ગઈ અને પછીથી લાંબી કાયદેસરની પ્રક્રિયામાં ફસાઈ ગઈ. આમાં કોઈ ગુનો નથી. અમારા ઓડિટરોએ સમયાંતરે EOWને રોકડ પ્રવાહનાં નિવેદનો જેવા તમામ જરૂરી ડોક્યુમેન્ટ પૂરા પાડ્યા છે. પ્રશાંત પાટીલે એમ પણ કહ્યું હતું કે 'જે રોકાણ કરારની વાત કરવામાં આવી રહી છે એ સંપૂર્ણપણે ઇક્વિટી રોકાણના સ્વરૂપમાં હતું. કંપનીને પહેલાથી જ લિક્વિડેશન ઓર્ડર મળી ચૂક્યો છે, જે પોલીસ વિભાગને પણ આપવામાં આવ્યો છે. છેલ્લા એક વર્ષમાં અમારા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટે 15થી વધુ વખત પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી છે અને તમામ પુરાવા રજૂ કર્યા છે. આ કેસ સંપૂર્ણપણે પાયાવિહોણો અને દુર્ભાવનાપૂર્ણ છે, જેનો હેતુ અમારા કલાયન્ટની છબિ ખરાબ કરવાનો છે. અમે આ કેસમાં ગુનેગારો સામે યોગ્ય કાનૂની કાર્યવાહી કરી રહ્યા છીએ.'
Click here to
Read more