બોલિવૂડ એક્ટર સલમાન ખાન પંજાબમાં પૂરથી પીડિત લોકોની મદદ માટે આગળ આવ્યો છે. એક્ટરના ફાઉન્ડેશને પૂર રાહત માટે 5 બોટ મોકલી છે. આમ આદમી પાર્ટીના મહાસચિવ અને પંજાબ ટુરિઝમના અધ્યક્ષ દીપક બાલીએ પૂરગ્રસ્ત ફિરોઝપુર ગામની મુલાકાત લીધી અને સલમાન ખાનના NGO દ્વારા મોકલવામાં આવેલી બોટ વહીવટીતંત્રને સોંપી. આમાંથી 2 બોટ ફિરોઝપુર સરહદ પર જિલ્લા વહીવટી તંત્રને સોંપવામાં આવી હતી, જ્યારે બાકીની બોટનો ઉપયોગ રાજ્યભરમાં બચાવ કામગીરીમાં કરવામાં આવશે. બાલીએ એમ પણ કહ્યું કે, 'પરિસ્થિતિ સામાન્ય થયા પછી, સલમાન ખાનનું ફાઉન્ડેશન 'બીઇંગ હ્યુમન' હુસૈનીવાલાની નજીક આવેલા અનેક સરહદી ગામોને દત્તક લેશે અને તેમનો વિકાસ કરશે.' નોંધનીય છે કે પંજાબ હાલમાં તેના ઇતિહાસના સૌથી ભયાનક પૂરનો સામનો કરી રહ્યું છે. આ દુખદ સમયમાં પંજાબને મદદ કરવા માટે ઘણા કલાકારો આગળ આવ્યા છે. બોલિવૂડ એક્ટર અક્ષય કુમારે રાહત અને મદદ માટે 5 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. ખાસ વાત એ છે કે, એક્ટરે આ રકમને દાન કહેવાનો ઇનકાર કર્યો હતો અને તેને સેવા ગણાવી હતી. એક અંગ્રેજી મીડિયા હાઉસ સાથેની વાતચીતમાં પોતાની લાગણીઓ શેર કરતા અક્ષયે કહ્યું, 'હું મારા વિચાર પર અડગ છું. હા, હું પંજાબ પૂર પીડિતો માટે રાહત સામગ્રી ખરીદવા માટે 5 કરોડ રૂપિયાનું દાન કરી રહ્યો છું, પણ હું કોણ છું કોઈને દાન આપનાર? જ્યારે મને મદદનો હાથ લંબાવવાની તક મળે છે, ત્યારે હું ધન્ય અનુભવું છું. મારા માટે, આ મારી સેવા છે, મારું નાનું યોગદાન છે.' ઘણા બોલિવૂડ અને પંજાબી કલાકારોએ મદદ મોકલી નોંધનીય છે કે, પંજાબમાં સતત વરસાદ અને બંધ તૂટવાથી આવેલા પૂરે અત્યાર સુધીમાં ભારે વિનાશ કર્યો છે. વહીવટીતંત્ર અને સેના રાહત અને બચાવ કાર્યમાં રોકાયેલા છે, ત્યારે રણદીપ હુડા, દિલજીત દોસાંઝ, એમી વિર્ક, સુનંદા શર્મા સહિતના કલાકારોનું આગળ આવવું પીડિતો માટે આશાનું કિરણ સાબિત થઈ રહ્યું છે.
Click here to
Read more