બોલિવૂડ એક્ટર-ડિરેક્ટર ફરહાન અખ્તરે જ્યારથી તેની આગામી ફિલ્મ '120 બહાદુર'ની જાહેરાત કરી છે, ત્યારથી તે વિવાદોમાં સપડાઈ છે. પખવાડિયા પહેલાં રાજસ્થાનના યાદવ સમાજે એક્ટર અને ફિલ્મની પ્રોડક્શન કંપની એક્સેલ એન્ટરટેઈનમેન્ટને કાનૂની નોટિસ મોકલી હતી. ત્યારે હવે રવિવારે દિલ્હીથી જોડાયેલા હરિયાણાના ગુરુગ્રામમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ખેરકી દૌલા ટોલ પાસે આહીર સમાજે મહાપંચાયતનું આયોજન કર્યું હતું. જેમાં ફિલ્મનું નામ '120 વીર આહીર' રાખવાની માંગ ઉઠાવી હતી. મહાપંચાયતમાં સેંકડો લોકો હાજર રહ્યા હતા. આહીર રેજિમેન્ટના કાર્યકરોએ જણાવ્યું હતું કે, 'વર્તમાન શીર્ષક તેમની જાતિ ઓળખને પ્રતિબિંબિત કરતું નથી.' તેમણે કહ્યું કે, 'આ ફિલ્મ ઐતિહાસિક ઘટનાઓ પર આધારિત છે અને તે આહીર સમુદાયના નાયકોની બહાદુરીની ગાથા દર્શાવે છે. આવી સ્થિતિમાં, શીર્ષકમાં 'આહીર' શબ્દ ઉમેરવાથી રાષ્ટ્રીય સ્તરે તેમના યોગદાનને ઉજાગર કરવામાં આવશે.' યુવાનો અને વડીલોને એકતા જાળવવા હાકલ
કાર્યક્રમમાં સમાજના નેતા અરુણ યાદવે યુવાનો અને વડીલોને એકતામાં રહેવા હાકલ કરી હતી. તેણે કહ્યું કે, 'આ સમુદાયની ઓળખ સાથે જોડાયેલો મુદ્દો છે અને બધાંએ સાથે આવીને પોતાની માંગણી આગળ વધારવી પડશે.' ચેતવણીઓ અને આગળના પગલાં
મહાપંચાયતમાં એવું પણ નક્કી કરવામાં આવ્યું હતું કે, જો ફિલ્મ નિર્માતાઓ માંગણીઓ પર ધ્યાન નહીં આપે, તો આહીર સમુદાય ભારે વિરોધ કરશે.' આયોજકોએ નિર્માતાઓને ટૂંક સમયમાં વાતચીત શરૂ કરવા પણ અપીલ કરી હતી. રાજસ્થાનના યાદવ સમાજે નોટિસ ફટકારી હતી નોંધનીય છે કે, અગાઉ રાજસ્થાનના યાદવ સમાજે એક્ટર અને પ્રોડક્શન કંપનીને નોટિસ ફટકારી હતી. નોટિસમાં દાવો કરવામાં આવ્યો છે કે, '18 નવેમ્બર, 1962ના રોજ, 13 કુમાઉ રેજિમેન્ટના ચાર્લી કંપનીના 120 સૈનિકોએ હજારો ચીની સૈનિકો સામે લડતા દેશની સરહદનું રક્ષણ કર્યું હતું.' 'આમાંથી 114 સૈનિકો શહીદ થયા હતા, જેમાંથી 95 ટકાથી વધુ યાદવ સમુદાયના હતા. ફિલ્મમાં યાદવ સૈનિકોના યોગદાનને ઓછું દર્શાવવામાં આવ્યું હતું. અમે ઇતિહાસ સાથે કોઈપણ પ્રકારની છેડછાડ સ્વીકારીશું નહીં.' ફાઉન્ડેશને વાંધો ઉઠાવ્યો છે કે, 'આ સામૂહિક બલિદાનને બદલે, ફિલ્મમાં ફક્ત મેજર શૈતાન સિંહ ભાટીની બહાદુરીની ગાથા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે, જ્યારે આ યુદ્ધ સમગ્ર સમુદાય અને તમામ સૈનિકોની સામૂહિક બહાદુરીની વાર્તા છે.' નોટિસ આપનારા એડવોકેટ ફૂલ સિંહે કહ્યું હતું કે, આ મામલો ફક્ત એક ફિલ્મનો નથી, પરંતુ સમગ્ર યાદવ સમુદાયની ઓળખ અને તે શહીદ પરિવારોની લાગણીઓ સાથે જોડાયેલો છે. ચેતવણી આપવામાં આવી છે કે, જો ફિલ્મમાં આહિર સૈનિકોની શહાદત યોગ્ય રીતે દર્શાવવામાં નહીં આવે, તો સમુદાય કોર્ટનો સંપર્ક કરશે. યાદવ સમુદાયની ધમકી, 'છેડછાડ સહન નહીં કરીએ' '120 બહાદુર' ફિલ્મ નવેમ્બર 2025માં રિલીઝ થવાની છે. યાદવ સમુદાયનું કહેવું છે કે, 'તેઓ કલાત્મક અભિવ્યક્તિનો સંપૂર્ણ આદર કરે છે, પરંતુ ઇતિહાસ સાથે છેડછાડ સ્વીકારશે નહીં. આ માટે, તમામ કાનૂની પાસાઓ પર પણ વિચારણા કરવામાં આવી રહી છે.' ફરહાન અખ્તર મેજર શૈતાન સિંહ ભાટીના રોલમાં જોવા મળશે ફિલ્મ '120 બહાદુર' માં ફરહાન અખ્તર મેજર શૈતાન સિંહ ભાટીની ભૂમિકા ભજવી રહ્યા છે. આ ફિલ્મનું મોટા પાયે શૂટિંગ લદ્દાખ, રાજસ્થાન અને મુંબઈમાં કરવામાં આવ્યું છે. ખાસ વાત એ છે કે, તેનું શૂટિંગ લદ્દાખમાં લગભગ 14,000 ફૂટની ઊંચાઈએ કરવામાં આવ્યું છે. આ ફિલ્મનું ડિરેક્શન રજનીશ ઘાઈએ કર્યું છે, જ્યારે રિતેશ સિધવાની, ફરહાન અખ્તર (એક્સેલ એન્ટરટેઈનમેન્ટ) અને અમિત ચંદ્રા (ટ્રિગર હેપ્પી સ્ટુડિયો) એ તેનું નિર્માણ કર્યું છે.
Click here to
Read more