અવકાશમાં વધતા જોખમો અને દુશ્મન રાષ્ટ્રોની સેટેલાઈટ પ્રવૃત્તિઓના જવાબમાં ભારત સરકાર તેના સેટેલાઈટની સુરક્ષા મજબૂત બનાવવાની યોજના બનાવી રહી છે. મોદી સરકાર હવે ખાસ 'બોડીગાર્ડ સેટેલાઈટ' બનાવવાની તૈયારી કરી રહી છે. જે અવકાશમાં ભારતીય સેટેલાઈટનું રક્ષણ કરશે અને કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિનો તાત્કાલિક જવાબ આપશે. બ્લૂમબર્ગના સૂત્રોના જણાવ્યા અનુસાર, 2024માં જ્યારે પડોશી દેશનો એક સેટેલાઈટ ISROના સેટેલાઈટથી માત્ર 1 કિલોમીટર દૂરથી પસાર થયો ત્યારે આ તૈયારીને વેગ મળ્યો. અહેવાલ મુજબ, આ સેટેલાઈટ 500-600 કિલોમીટરની ઊંચાઈ પર હતો અને મેપિંગ અને ગ્રાઉન્ડ સર્વેલન્સ જેવા લશ્કરી કાર્યો કરી રહ્યો હતો. જોકે બંને સેટેલાઈટ અથડાયા ન હતા, નિષ્ણાતો માને છે કે આ ઘટના એક દેશની તાકાત બીજા દેશને દર્શાવવાનો પ્રયાસ હોઈ શકે છે. સરકાર હવે LiDAR સેટેલાઈટ અને ગ્રાઉન્ડ-બેઝ્ડ રડાર જેવી સિસ્ટમો પર સ્ટાર્ટઅપ્સ સાથે કામ કરી રહી છે, જે સમયસર ખતરાઓ ઓળખી શકે છે અને સેટેલાઈટને સુરક્ષિત સ્થાનો પર મોકલી શકે છે. એર માર્શલે જૂનમાં અવકાશ સુરક્ષા અંગે ચેતવણી આપી હતી એર માર્શલ આશુતોષ દિક્ષિતે જૂનમાં સર્વેલન્સ અને ઇલેક્ટ્રો ઓપ્ટિક્સ ઇન્ડિયા સેમિનારમાં ચેતવણી આપી હતી કે ચીનની પીપલ્સ લિબરેશન આર્મી ઝડપથી તેની અવકાશ ક્ષમતાઓનો વિસ્તાર કરી રહી છે અને આ ભારતની સુરક્ષા માટે ગંભીર ખતરો બની શકે છે. 4 વર્ષમાં 52 ખાસ સંરક્ષણ સેટેલાઈટ લોન્ચ કરવામાં આવશે સરકારે નિર્ણય લીધો છે કે 2029 સુધીમાં (આગામી 4 વર્ષમાં), 52 ખાસ સંરક્ષણ સેટેલાઈટ અવકાશમાં મોકલવામાં આવશે, આ બધા સેટેલાઈટ અવકાશમાં ભારતની નજર બનશે અને પાકિસ્તાન-ચીન સરહદ પર સતત નજર રાખશે. આ સેટેલાઈટ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) પર આધારિત હશે. તેઓ 36,000 કિમીની ઊંચાઈએ એકબીજા સાથે વાતચીત કરી શકશે. આનાથી પૃથ્વી પર સંકેતો, સંદેશાઓ અને તસવીરો મોકલવાનું સરળ બનશે. આ સમગ્ર મિશન ડિફેન્સ સ્પેસ એજન્સીના નેજા હેઠળ હાથ ધરવામાં આવી રહ્યું છે, અને સરકારે સ્પેસ-બેઝ્ડ સર્વેલન્સ ફેઝ-3 (SBS-3) યોજના વિકસાવી છે. આ માટેનું બજેટ ₹26,968 કરોડ છે. ઓક્ટોબર 2024માં સુરક્ષા પરની કેબિનેટ સમિતિ દ્વારા તેને મંજૂરી આપવામાં આવી હતી. ઓપરેશન સિંદૂર પછી યોજનાના અમલીકરણમાં વેગ આવ્યો ભારતે 7થી 10 મે, 2025 દરમિયાન ઓપરેશન સિંદૂર દરમિયાન જૈશ-એ-મોહમ્મદ સામે મોટા પાયે લશ્કરી કાર્યવાહી શરૂ કરી હતી. ઇકોનોમિક ટાઇમ્સ (ET)ના એક અહેવાલ મુજબ, સ્થાનિક સેટેલાઈટ અને કેટલાક વિદેશી વ્યાપારી ડેટાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, પરંતુ રીઅલ-ટાઇમ ટ્રેકિંગમાં ઘણી ખામીઓ બહાર આવી હતી. એક અધિકારીએ ET ને જણાવ્યું કે, અમારે અમારા નિર્ણયો ઝડપી બનાવવા પડશે. જેટલા વહેલા અમે 52 સેટેલાઈટ અવકાશમાં મૂકીશું, તેટલી જ આપણી સુરક્ષા વધુ મજબૂત બનશે.
Click here to
Read more